ફાર્માસિસ્ટને એન્ટી બાયોટિક્સ પ્રિસ્ક્રાઇબ કરવાની પરવાનગી

યુકેમાં પહેલીવાર કાનમાં ઇન્ફેક્શન, ગળામાં ખારાશ, નાકના નસકોરામાં ઇન્ફેક્શન (સિન્યુસિટિસ), દાદર જેવા સ્કીન ડિસીઝ માટે જીપીની સલાહ વિના જ ફાર્મસી પરથી એન્ટી બાયોટિક્સ પ્રાપ્ત કરી શકાશે

Tuesday 30th January 2024 15:45 EST
 
 

લંડનઃ 31 જાન્યુઆરીના બુધવારથી યુકેમાં ફાર્માસિસ્ટ ઓછી ગંભીર બીમારીઓ માટે એન્ટી બાયોટિક્સ પ્રિસ્ક્રાઇબ કરી શકશે. એનએચએસમાં જીપી એપોઇન્ટમેન્ટ પરનો બોજો ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો છે. કાનમાં ઇન્ફેક્શન, ગળામાં ખારાશ, નાકના નસકોરામાં ઇન્ફેક્શન (સિન્યુસિટિસ) માટે ફાર્માસિસ્ટ હવે એન્ટી બાયોટિક્સ પ્રિસ્ક્રાઇબ કરી શકશે.

31 જાન્યુઆરીના રોજ સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકાશે. જેના પગલે યુકેમાં પહેલીવાર દર્દીઓને કન્સલ્ટિંગ ડોક્ટરની સલાહ વિના જ એન્ટી બાયોટિક્સ મેળવવાની પરવાનગી અપાશે. સારવારમાં ઝડપ લાવવા અને જીપી એપોઇન્ટમેન્ટ્સ ઘટાડવા માટે આ પગલું લેવાયું છે. આ માટે આગામી મહિનાથી સામાન્ય બીમારીઓ માટે દર્દીઓને પહેલાં ફાર્માસિસ્ટ પાસે જવા પ્રોત્સાહિત કરવા માટે દેશવ્યાપી જાહેરાત અભિયાન પણ શરૂ કરાશે.

જોકે આ યોજના અમલમાં મૂકતાં પહેલાં એન્ટી બાયોટિક્સના ઓવરડોઝ અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી. પરંતુ આરોગ્ય સત્તાવાળાઓએ આ ચિંતાઓ નકારી કાઢી છે. તેમણે જણાવ્યું છે કે એન્ટી બાયોટિકના પ્રિસ્ક્રિપ્શન પર ચાંપતી નજર રખાશે.

કયા પ્રકારના દર્દીને ક્યારે એન્ટી બાયોટિક્સ આપવી તેના માર્ગદર્શન માટે એનએચએસ ઇંગ્લેન્ડ દ્વારા ફાર્માસિસ્ટ્સ માટે ફ્લો ચાર્ટ તૈયાર કરાયો છે. જીપી અને ફાર્માસિસ્ટ્સને પાઠવેલા પરિપત્રમાં એનએચએસ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે, આ યોજનાના કારણે જીપીની મુલાકાત વિના જ ફાર્માસિસ્ટ દર્દીઓને સામાન્ય બીમારીઓ માટે દવા આપી શકશે. ફાર્મસીઓ બ્લડ પ્રેશરની ચકાસણી પણ કરી શકશે અને કોન્ટ્રાસેપ્શન સેવાઓ પણ આપી શકશે.

યોજના અંતર્ગત દર્દી ફાર્માસિસ્ટ સાથે કન્સ્લ્ટેશન કરી શકશે. ફાર્માસિસ્ટ દર્દીને તેની સ્થિતિ અંગે સવાલો કરીને કેટલાક એક્ઝામિનેશન પણ કરી શકશે. પરંતુ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરાવી શકશે નહીં. આ યોજનાના પગલે મેડિસિન્સમાં પાંચ વર્ષની તાલીમ ધરાવતા ફાર્માસિસ્ટ ડોક્ટરના સુપરવિઝન વિના જ દવા પ્રિસ્ક્રાઇબ કરી શકશે. સરકારની આ યોજનાને ફેમિલી ડોક્ટરોનું સમર્થન પ્રાપ્ત થયું છે.

કઇ સ્થિતિમાં ફાર્માસિસ્ટનો સંપર્ક કરવાનો રહેશે

-          1 થી 17 વર્ષની વયના બાળકોમાં કાનનું ઇન્ફેક્શન

-          1 વર્ષથી વધુ વયનામાં ચામડીનું ઇન્ફેક્શન (Impetigo)

-          1 વર્ષથી વધુ વયનાને ચેપી જીવજંતુના કરડવા માટે

-          પુખ્તોમાં દાદરની બીમારી માટે

-          12 વર્ષથી વધુ વયના લોકોમાં નાકના નસકોરાના ઇન્ફેક્શન માટે

-          પાંચ વર્ષથી વધુ વયના લોકોમાં ગળાની ખારાશ માટે

-          16થી 64 વર્ષની મહિલાઓમાં યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન માટે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter