લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક ઇંગ્લેન્ડમાં કોઇ મૂલ્ય ન હોય તેવા પ્રકારની ડિગ્રી મેળવવા પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવા યુનિવર્સિટીઓ પર દબાણ કરશે. વડાપ્રધાનના આ પગલાંની સૌથી મોટી અસર નોકરીયાત વર્ગ, અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓ પર પડશે. વડાપ્રધાન રિશી સુનાકે જાહેરાત કરી હતી કે પ્રોફેશનલ જોબ મેળવતા સ્નાતકો, અનુસ્નાતક સ્તરના અભ્યાસક્રમમાં સામેલ થવા અથવા બિઝનેસ શરૂ કરવામાં મોટા પ્રમાણમાં સામેલ ન હોય તેવા પ્રકારના અભ્યાસક્રમો મર્યાદિત કરાશે.
વડાપ્રધાન રિશી સુનાક હાઇ ડ્રોપઆઉટ રેટ ધરાવતા અથવા તો જેમાં પ્રોફેશનલ જોબ મળવાની સંભાવનાઓ ઓછી હોય તેવા પ્રકારના અભ્યાસક્રમો પર મર્યાદા લાદવા માગે છે. વડાપ્રધાન સુનાક અને એજ્યુકેશન સેક્રેટરી જિલિયન કીગન દ્વારા કરાયેલી જાહેરાત 2017માં થેરેસા મે દ્વારા શરૂ કરાયેલા ઓગર રિવ્યૂનું પ્રતિબિંબ છે. ઓગર રિવ્યૂમાં ટ્યુશન ફીમાં ઘટાડા અને એજ્યુકેશન ફંડ વધારવાની ભલામણ કરાઇ હતી. જેથી નોકરીની તકો ન હોય તેવા અભ્યાસક્રમ છોડી જતા વિદ્યાર્થીઓની સંખ્યાને મર્યાદિત કરી શકાય. હાલમાં ક્લાસરૂમ બેઝ્ડ ફાઉન્ડેશન અભ્યાસક્રમોની ફી વાર્ષિક 9250 પાઉન્ડ છે જે ઘટાડીને 5760 પાઉન્ડ કરી શકાય.
વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, યુકેમાં વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ છે અને તેમાં અભ્યાસ વિદ્યાર્થીના ભાવિનું નિર્માણ કરે છે પરંતુ ઘણા યુવાઓને ખોટા સ્વપ્ન વેચવામાં આવી રહ્યાં છે જેના કારણે તેઓ કરદાતાઓના નાણાથી હલકી ગુણવત્તા ધરાવતા અભ્યાસક્રમોમાં જોડાય છે જેમાં અંતે સારી નોકરીની કોઇ તકો મળતી નથી. તેથી અમે નબળા અને નોકરી ન અપાવી શક્તા અભ્યાસક્રમો પર લગામ કસવા માગીએ છીએ. જેની સામે અમે નોકરી અપાવી શકે તેવી સ્કીલ ટ્રેનિંગ અને એપ્રેન્ટિસશિપ ઉપલબ્ધ કરાવવા માગીએ છીએ. જેના કારણે મોટી સંખ્યામાં યુવાઓ તેમની ક્ષમતાઓ પુરવાર કરીને આપણા અર્થતંત્રના વિકાસમાં જોડાય તે માટે અમે મદદ કરવા માગીએ છીએ.
આ યોજના અંતર્ગત ઓફિસ ફોર સ્ટુડન્ટ્સને સ્નાતકો માટે સારા પરિણામ આપવામાં નિષ્ફળ જતા અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવા યુનિવર્સિટીઓને આદેશ અપાશે. એજ્યુકેશન સેક્રેટરી જિલિયન કિગને જણાવ્યું હતું કે, નબળી ગુણવત્તા ધરાવતા અભ્યાસક્રમો ઓફર કરતા ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો સામે પગલાં લેવાશે. તેમને વિદ્યાર્થીઓને ખોટાં વચનો વેચવાની પરવાનગી અપાશે નહીં.


