લંડનઃ લેન્ડરો વચ્ચે શરૂ થયેલા મોર્ગેજ વોરના કારણે બે વર્ષ માટેના ફિક્સ્ડ મોર્ગેજ એવરેજ રેટ સાત મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયાં છે. ફાઇનાન્સિયલ ઇન્ફર્મેશન સર્વિસ મની ફેક્ટ્સે જણાવ્યું હતું કે, એક જ દિવસમાં એવરેજ રેટ 5.92 ટકાથી ઘટીને 5.87 ટકા પર આવી ગયાં હતાં. હેલિફેક્સ અને એચએસબીસી જા મોટા લેન્ડરે નવા વર્ષના પ્રારંભથી જ મોર્ગેજ રેટમાં ઘટાડો શરૂ કરી દીધો છે જેથી તેમના ગ્રાહકોને જાળવી શકાય. લેન્ડર કંપનીઓની પોતાની ફંડિંગ કોસ્ટમાં ઘટાડો થવાને કારણે મોર્ગેજ રેટમાં ઘટાડો શક્ય બન્યો છે.
મોર્ગેજ દરોમાં હજુ વધુ ઘટાડો કરાય તેવી સંભાવના વચ્ચે પણ મકાન માલિકો મોર્ગેજ બિલમાં વધારાનો સામનો કરી રહ્યાં છે. મોર્ગેજ માર્કેટમાં સ્પર્ધા વધી રહી છે પરંતુતેના કારણે આ વર્ષે જેમની ડીલ્સ પૂરી થાય છે તેવા 16 લાખ જેટલા મોર્ગેજધારકોની પીડામાં ઘટાડો નહીંવત જણાઇ રહ્યો છે. તેઓ નવી પ્રોડક્ટ લેશે ત્યારે તેમને વ્યાજ પેટે વધુ નાણા ચૂકવવા પડી શકે છે. ડીલ્સ પૂરી નહીં થાય ત્યાં સુધી ફિક્સ્ડ મોર્ગેજ પરના વ્યાજદર બદલાશે નહીં. વેરાયેબલ રેટ પર રહેલા મોર્ગેજ ધારકોને સરેરાશ 8 ટકા કરતાં વધુ મોર્ગેજ રેટ ચૂકવવો પડશે.
યુકેની સૌથી મોટી લેન્ડર કંપની હેલિફેક્સે નવા વર્ષની શરૂઆત મોર્ગેજ રેટમાં ઘટાડા સાથે કરી હતી. જેના પગલે ટીએસબી, ફર્સ્ટ ડાયરેક્ટ અને નેટવેસ્ટ દ્વારા પણ મોર્ગેજ રેટમાં ઘટાડાની જાહેરાત કરાઇ છે. વધુ લેન્ડરો આ સ્પર્ધામાં જોડાય તેવી સંભાવના છે.


