ફિન્સબરી પાર્ક મસ્જિદમાં નમાજીઓ પર હુમલોઃ એકનું મોત, નવ ઘાયલ

Wednesday 21st June 2017 06:46 EDT
 
 

 લંડનઃ નોર્થ લંડનમાં સેવન સિસ્ટર્સ રોડ પર પ્રસિદ્ધ ફિન્સબરી પાર્કમાં મુસ્લિમ વેલફેર હાઉસ નજીક આવેલી મસ્જિદમાં રાત્રે ૧૨.૨૦ કલાકે હુમલો કરવામાં આવ્યો હતો. રવિવારે મોડી રાત્રે મસ્જિદમાંથી બહાર નીકળી રહેલા લોકો પર કાર્ડિફના ૪૭ વર્ષીય ડેરેન ઓસ્બોર્ને વાન ચઢાવી દીધી હતી. આ ઘટનામાં એકનું મોત થયું હતું અને નવ લોકો ઘાયલ થયા હતા. બાદમાં લોકોએ હુમલાખોર વાનચાલકને પકડી લીધો હતો. જોકે, ઈમામ મોહમ્મદ મહમૂદે હુમલાખોર ડેરેનને લોકોના રોષથી બચાવ્યો હતો અને પોલીસને તેની સોંપણી કરી હતી. લોકોએ ડેરેનને પકડ્યો ત્યારે તેણે ‘મને મારી નાખો, હું બધા મુસ્લિમોને મારી નાખીશ’ એવી બૂમાબૂમ કરી હતી. લેબર નેતા જેરેમી કોર્બીને પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

પોલીસે જણાવ્યું હતું કે રવિવારની મધરાત પછી થયેલી હુમલાની ઘટનાના શિકાર બનેલા તમામ મુસ્લિમ હતા અને ઘણા રમાદાનનો ઉપવાસ છોડી સાંજની નમાજ પછી બહાર જઈ રહ્યા હતા. સાક્ષીઓના જણાવ્યા અનુસાર ક્લિનશેવ ચહેરો અને વાંકડિયા વાળ ધરાવતો. હુમલાખોર વાન ડ્રાઈવર ‘હું મુસ્લિમોને મારી નાખવાનો છું’ની બૂમો પાડતો હતો. એક વ્યક્તિની તબિયત ખરાબ થતા મુસ્લિમ નમાજીઓ ટોળે વળીને તેના ખબરઅંતર પૂછી રહ્યા હતા ત્યારે ડેરેને લોકો પર ગાડી ચઢાવી દીધી હતી. ઘટનામાં જેની તબિયત ખરાબ હતી તેનું મોત થયું હતું. અન્ય નવ લોકોને હોસ્પિટલ સારવારાર્થે લઈ જવાયા હતા.

બ્રિટનમાં ત્રણ મહિનામાં આતંકવાદી હુમલાની ચોથી ઘટના છે. વડા પ્રધાન થેરેસા મેને ઊંઘમાંથી જગાડીને ઘટનાની જાણ કરવામાં આવી હતી. તેમણે કેબિનેટની ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને હુમલાને વખોડી તિરસ્કારમાંથી જન્મેલા અનિષ્ટ તરીકે જણાવ્યો હતો. થેરેસાએ ઈમામ મોહમ્મદ સાથે વાત કરતાં કહ્યું હતું કે,‘આ મુસ્લિમો પર તેમના ધર્મસ્થાન નજીક કરાયેલો હુમલો છે. કોઈ પણ સ્વરુપના તમામ આતંકી હુમલાઓની માફક તેનો મૂળભૂત ઉદ્દેશ આપણને વિભાજિત કરવાનો જ હોય છે.’

લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે પોલીસની કામગીરી ઘણી વધી ગઈ છે. મને મેટ્રોપોલીટન પોલીસના સ્રોતો વિશે પણ ચિંતા છે.’ કાયદાપાલક અધિકારીઓએ આ હુમલાને ત્રાસવાદી હુમલો ગણાવ્યો છે. મેટ પોલીસ કમિશનર ક્રેસિડા ડિકે જણાવ્યું હતું કે નોર્થ લંડનની આ ઘટના સ્પષ્ટપણે મુસ્લિમો પરનો જ હુમલો છે. હવે આ વિસ્તારમાં અને ખાસ કરીને ધાર્મિક સ્થાનોની આસપાસ કોમ્યુનિટીના લોકોને વધુ અને સશસ્ત્ર પોલીસ જોવા મળશે.

ઓસ્બોર્નની પ્રાથમિક ધરપકડ હત્યાના પ્રયાસની શંકા સાથે કરાઈ હતી. જોકે, સ્કોટલેન્ડ યાર્ડે પાછળથી જણાવ્યું હતું કે તેની ધરપકડ હત્યા, હત્યાના પ્રયાસ ઉપરાંત, ત્રાસવાદી કૃત્યના આચરણ, તૈયારી અને ત્રાસવાદની ઉશ્કેરણી માટે પણ કરાઈ હતી. એકતાનું પ્રદર્શન કરતા ફેઈથ લીડર્સ એક સાથે આવી પહોંચ્યા હતા અને સેંકડો લોકોએ ફિલ્સબરી પાર્ક મસ્જિદ પાસે સોમવારે રાત્રે પુષ્પો સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હિન્દુ કાઉન્સિલ યુકેએ તત્કાળ નિવેદનમાં આ હુમલાને વખોડી કાઢ્યો હતો. કાઉન્સિલે મૃત વ્યક્તિ અને તેના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ ઘટના પછી મુસ્લિમ કોમ્યુનિટીએ પણ ઘટનાસ્થળે એકત્ર થઈ એકતા નદર્શાવી શાંતિથી નમાજ અદા કરી હતી.                


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter