લંડનઃ એર ઇન્ડિયા ક્રેશમાં માર્યા ગયેલા બ્રિટિશ નાગરિક ફિયોન્ગલ ગ્રીનલૉ-મીકની માતા એમેન્ડા ડોનાઘીએ આરોપ મૂક્યો છે કે તેમના પુત્રના કોફિનમાં અન્ય કોઇ વ્યક્તિના જ અવશેષ હતાં. આ ગમખ્વાર દુર્ઘટનામાં ફિયોન્ગલ અને તેના પતિ જેમીના મોત થયાં હતાં.
ફિયોન્ગલની માતા તેમના પુત્રના મૃતદેહ માટે અમદાવાદ ગયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે આઇડેન્ટિફિકેશન પ્રોસેસમાં મદદ કરવા માટે ડીએનએ સેમ્પલ આપ્યાં હતાં. 20મી જૂને તેઓ ફિયોન્ગલના કોફિન સાથે યુકે પરત આવ્યા હતા પરંતુ 5 જુલાઇના રોજ પોલીસ દ્વારા તેમને માહિતી આપવામાં આવી હતી કે યુકેમાં કરાયેલા ડીએનએ ટેસ્ટ પ્રમાણે તેમને સોંપાયેલા કોફિનમાં તેમના પુત્રના અવશેષ નહોતા.
એમેન્ડાએ જણાવ્યું હતું કે, અમે નથી જાણતા કે કોફિનમાં કોના અવશેષ હતા. આ જાણીને મારું હૃદય ભાંગી પડ્યું છે. આ અત્યંત આઘાતજનક સ્થિતિ છે. તેમણે યુકે સરકારને વિનંતી કરી છે કે મારા દીકરાના અવશેષ પરત લાવવા માટે તેના દાયરામાં તમામ પ્રયાસ કરે.


