ફી ભરવામા એક દિવસનો વિલંબ થતાં શ્રીલંકન વિદ્યાર્થિનીનું ભાવિ જોખમમાં મૂકાયું

કોવેન્ટ્રી યુનિવર્સિટીએ ડિગ્રી અભ્યાસક્રમમાંથી હાંકી મૂકી, ડિપોર્ટેશનનો ખતરો

Tuesday 21st April 2026 12:10 EDT
 
 

લંડન: માત્ર 24 કલાકનો વિલંબ કોઈના જીવનભરના સપનાઓ કેવી રીતે રોળી શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો બ્રિટનની કોવેન્ટ્રી યુનિવર્સિટીમાં સામે આવ્યો છે. ફી ભરવામાં થયેલા માત્ર એક દિવસના વિલંબને કારણે 25 વર્ષીય શ્રીલંકન વિદ્યાર્થિની નવોદ્યા ડી સિલ્વાને યુનિવર્સિટીમાંથી બહાર કરી દેવામાં આવી છે. જેના કારણે હવે તેના પર દેશનિકાલની તલવાર લટકી રહી છે.

ડી સિલ્વા ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટના ત્રણ વર્ષના અંડરગ્રેજ્યુએટ કોર્સ માટે બ્રિટન આવી હતી. આ કોર્સની કુલ ફી આશરે 42,000 પાઉન્ડ છે. નવોદ્યાના પિતાએ પોતાની આજીવન બચત આ કોર્સ માટે ખર્ચી નાખી હતી જેથી તેમની પુત્રી અભ્યાસ પૂર્ણ કરી શ્રીલંકાના પ્રવાસન ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરીય નોકરી મેળવી શકે.

નવોદ્યાએ ઓક્ટોબર ૨૦૨૪માં પોતાનો અભ્યાસ શરૂ કર્યો હતો અને બીજા વર્ષની ફીનો પ્રથમ હપ્તો ભરવાની છેલ્લી તારીખ ૬ ઓક્ટોબર ૨૦૨૫ હતી. નવોદ્યાએ નિયત તારીખના ત્રણ દિવસ પહેલા, એટલે કે ૩ ઓક્ટોબરના રોજ 8,000 પાઉન્ડ ટ્રાન્સફર કરી દીધા હતા. પરંતુ પેમેન્ટ પ્રોસેસિંગ સિસ્ટમમાં વિલંબને કારણે આ રકમ યુનિવર્સિટીના બેંક ખાતામાં 7 ઓક્ટોબરે જમા થઈ હતી. નિર્ધારિત સમયમર્યાદા કરતા માત્ર એક દિવસ મોડી ફી મળતા યુનિવર્સિટીએ કડક વલણ અપનાવી તેને કોર્સમાંથી પડતી મૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter