લંડનઃ રિટેલ સ્પેસના મૂલ્યમાં કડાકો બોલી જવાના કારણે ક્રાઉન એસ્ટેટની લંડન ખાતેની પ્રોપર્ટીના મૂલ્યમાં છેલ્લા એક વર્ષમાં 500 મિલિયન પાઉન્ડનો ઘટાડો થયો છે. કિંગ ચાર્લ્સની પબ્લિક એસ્ટેટની માલિકીની લંડનની સંપત્તિઓનું મૂલ્ય 6.5 ટકા ઘટીને 7.2 બિલિયન પાઉન્ડ પર આવી ગયું છે. સોવેરિન ગ્રાન્ટ રિપોર્ટના જણાવ્યા અનુસાર કિંગ ચાર્લ્સ પણ ફુગાવાથી અછૂતા રહી શક્યા નથી. છેલ્લા નાણાકીય વર્ષમાં રાજવીનો ખર્ચ પાંચ ટકા વધીને 107.5 મિલિયન પાઉન્ડ પર પહોંચી ગયો છે જેની સામે તેમની આવક એક ટકો ઘટીને 9.8 મિલિયન પાઉન્ડ પર આવી ગઇ છે.
બીજીતરફ કિંગ ચાર્લ્સને પણ કરકસર કરવાની ફરજ પડી રહી છે. વીજળીના બિલમાં વધારો થતાં કિંગ ચાર્લ્સે બકિંગહામ પેલેસના રેડિએટર્સને 16 ડિગ્રી સેન્ટિગ્રેડ પર સેટ કરાવ્યાં છે જેથી વીજળીના વપરાશમાં ઘટાડો થઇ શકે.
બકિંગહામ પેલેસના યુટિલિટી બિલોમાં 100 ટકા સુધીનો વધારો થયો છે જેના કારણે પેલેસમાં હીટરો બંધ કરી દેવાયાં છે. પેલેસમાં જે ઓરડાઓ વપરાશમાં છે તેમનું તાપમાન 19 ડિગ્રી અને ખાલી પડેલા ઓરડાઓનું તાપમાન 16 ડિગ્રી પર સેટ કરાયું છે. સપ્તાહાંતમાં હીટરો બંધ કરી દેવામાં આવે છે જ્યારે ગેસ લેમ્પને પણ બુઝાવી દેવામાં આવે છે.


