લંડન
બ્રિટનમાં ફુગાવાએ માઝા મૂકતાં ભારતીય વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. 2022માં બ્રિટન દ્વારા સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા જારી કરાયાં હતાં પરંતુ રહેઠાણ અને ખોરાકનો ખર્ચ જે રીતે વધી રહ્યો છે તે જોતાં ભારતીય વિદ્યાર્થીઓ સંઘર્ષભરી સ્થિતિમાં મૂકાઇ ગયાં છે. ભારતીય વિદ્યાર્થીઓ ચિંતા વ્યક્ત કરતાં કહી રહ્યાં છે કે મકાન ભાડાં અને ખાદ્યસામગ્રીની કિંમતોમાં તોતિંગ વધારો થતાં જીવનનિર્વાહ મુશ્કેલ બની રહ્યો છે.
બ્રિટનમાં સપ્ટેમ્બર 2022માં ફુગાવાનો દર 9.3 ટકા પર પહોંચી હયો હતો. અહીં અભ્યાસ કરવા આવેલા ભારતીય વિદ્યાર્થીઓ કહે છે કે ખર્ચને નીચો રાખવો મુશ્કેલ બની રહ્યું છે. બ્રિટનમાં સાત વર્ષ પછી ફરીવાર અભ્યાસ કરવા ગયેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, સાત વર્ષ પહેલાં જેટલા ખર્ચમાં બે સપ્તાહની ભોજન સામગ્રી ખરીદી શકાતી હતી તેટલી જ રકમમાં હવે ફક્ત 4 દિવસ ચાલે એટલી ભોજન સામગ્રી આવે છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસને કારણે ખર્ચમાં તોતિંગ વધારો થઇ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2022માં પૂરા થયેલા વર્ષમાં 1.27 લાખ ભારતીય વિદ્યાર્થીઓને બ્રિટનના સ્ટુડન્ટ વિઝા જારી કરાયાં હતાં જે અન્ય દેશોના મુકાબલે સૌથી વધુ હતા. સ્ટુડન્ટ વિઝાના મામલે ભારતીય વિદ્યાર્થીઓએ પહેલીવાર ચીની વિદ્યાર્થીઓને પાછળ ધકેલી દીધાં હતાં.


