ફુગાવાનો દર એપ્રિલમાં ઘટીને 2.3 ટકા, 3 વર્ષની નીચી સપાટી પર

વીજળી અને ઇંધણોની કિંમત તથા ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડાથી ફુગાવો બેન્ક ઓફ ઇંગ્લેન્ડના 2.0 ટકાના લક્ષ્યાંક નજીક, વ્યાજદરમાં ઘટાડાની સંભાવનાઓ ઉજળી બની

Tuesday 28th May 2024 11:17 EDT
 

લંડનઃ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ હવે લગભગ સમાપ્ત થવાના આરે છે. છેલ્લા એક મહિનામાં ફુગાવાનો દર છેલ્લા 3 વર્ષની સૌથી નીચી સપાટી પર આવી ગયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર એપ્રિલમાં ફુગાવાનો દર 2.3 ટકા નોંધાયો. માર્ચમાં ફુગાવાનો દર 3.2 ટકા પર હતો. આમ હવે ફુગાવાનો દર બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા નક્કી કરાયેલી 2.0 ટકાની સપાટીની અત્યંત નજીક પહોંચી ગયો છે જેના કારણે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય લેવાય તેવી સંભાવનાઓમાં વધારો થયો છે.

ઓએનએસએ જણાવ્યું હતું કે ઇંધણ અને વીજળીની કિંમતો અને ખાદ્યપદાર્થોની કિંમતોમાં ઘટાડાના કારણે એપ્રિલમાં ફુગાવાના દરમાં ઘટાડો નોંધાયો હતો. ખાદ્યાન્ન ફુગાવાનો દર 2.9 ટકા પર આવી ગયો છે જે નવેમ્બર 2021 પછીની સૌથી નીચી સપાટી છે. તે સમયે ખાદ્યાન્ન ફુગાવો લગભગ 20 ટકાની આસપાસ પહોંચી ગયો હતો.

વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, આજે આપણા અર્થતંત્ર માટેની મોટી ક્ષણ છે. ફુગાવાનો દર સામાન્ય સપાટી પર આવી ગયો છે. આ એ વાતનો પુરાવો છે કે સરકારની નીતિઓ કામ કરી રહી છે. અમે લીધેલા મુશ્કેલ નિર્ણયો હવે પરિણામ આપી રહ્યાં છે. જો આપણે આર્થિક સુરક્ષા અને દરેક વ્યક્તિ માટે તકની આપણી યોજનાને વળગી રહીશું તો ઉજ્જવળ દિવસો આવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter