લંડનઃ યુકેમાં ફુગાવાનો દર ફેબ્રુઆરીમાં છેલ્લા અઢી વર્ષની સૌથી નીચી સપાટી 3.4 ટકા પર આવી ગયો હતો. ફુગાવાના દરમાં ઘટાડાના કારણ આગામી મહિનાઓમાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવે તેવો આશાવાદ મજબૂત બન્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ફુગાવાનો દર જાન્યુઆરીના 4 ટકાની સરખામણીમાં ઘટીને 3.4 ટકા થયો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર 2021 પછી ફુગાવાનો દર સૌથી નીચી સપાટી પર પહોંચ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ઓક્ટોબર 2022માં ફુગાવાનો દર 11.1 ટકા પર પહોંચી ગયો હતો.
ફુગાવાના દરમાં ઘટાડાના કારણે વડાપ્રધાન રિશી સુનાકને મોટી રાહત મળી હશે. ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, ફુગાવાના દરમાં અંદાજ કરતાં મોટો ઘટાડો દર્શાવે છે કે સરકારની યોજના કામ કરી રહી છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડને ફુગાવાનો દર ઘટાડવાનું કામ સોંપાયું છે. ફુગાવામાં ઘટાડાના કારણે સારી આર્થિક સ્થિતિ સર્જાશે.
ખાદ્યાન્ન ફુગાવાનો દર 6.9 ટકાથી ઘટીને 5 ટકા પર આવી ગયો છે. ગ્રોસરીની કિંમતોમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી ઘટાડો નોંધાયો છે. ટેક્સટાઇલ, આલ્કોહોલ, તમાકુ, રેસ્ટોરન્ટ અને હોટલ આઇટમોની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
ઓએનએસ ખાતેના ચીફ ઇકોનોમિસ્ટ ગ્રાન્ટ ફિત્ઝનરે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં ફુગાવાનો દર છેલ્લા અઢી વર્ષની સૌથી નીચી સપાટી પર આવી ગયો છે. ફુગાવાના દરમાં તીવ્ર ઘટાડા માટે ખાદ્યપદાર્થોની કિંમતોમાં ઝડપી ઘટાડો જવાબદાર છે.
ફુગાવો ઘટતાં નેશનલ ઇન્શ્યુરન્સમાં વધુ કાપ મૂકવાના હન્ટના સંકેત
લંડનઃ ફુગાવાના દરમાં નોંધપાત્ર ઘટાડો થતાં ચાન્સેલર જેરેમી હન્ટે નેશનલ ઇન્શ્યુરન્સમાં વધુ કાપ મૂકવાના સંકેત આપ્યા છે. ચાન્સેલર હન્ટે જણાવ્યું હતું કે, ફુગાવાનો દર હવે થોડા જ મહિનામાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડના 2 ટકાના લક્ષ્યાંક નજીક પહોંચી જવાની સંભાવના છે. તેના કારણે આર્થિક વૃદ્ધિ અને કરવેરામાં ઘટાડા માટેની સંભાવનાઓ સર્જાશે. સરકાર નેશનલ ઇન્શ્યુરન્સમાં ઘટાડો કરવા પર પણ કામ કરી શકે છે.
બેંક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદર 5.25 ટકા પર યથાવત રાખ્યો
લંડનઃ ફુગાવાના દરમાં મોટો ઘટાડો થવા છતાં બેંક ઓફ ઇંગ્લેન્ડે તેનો હાલનો ૫.૨૫ ટકાનો વ્યાજદર જાળવી રાખ્યો છે. હાલમાં આ વ્યાજદર ૧૬ વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે. જોકે બેંકના ગવર્નરે ફુગાવાનો દર ઘટશે તે પછી વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે એવો સંકેત આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હાલમાં અર્થતંત્રની સ્થિતિ વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે એને અનુકૂળ નથી. યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે જે પ્રકારનો નિર્ણય લીધો એવો જ નિર્ણય બેંક ઓફ ઇંગ્લેન્ડે પણ લીધો છે. ફુગાવાનો અપેક્ષા કરતાં વધુ ઘટયો એવા આંકડા જાહેર થયા એના એક દિવસ પછી આજે વ્યાજદર યથાવત સ્તરે જાળવી રાખવામાં આવ્યો છે. ફુગાવાનો દર નીચો આવતા બેંક વ્યાજદર ઘટાડશે એવી ધારણા હતી. ફુડ પ્રાઇસ ઘટતા ફુગાવાનો દર ઘટીને ૩.૪ ટકા થયો હતો જે અઢી વર્ષની સૌથી નીચી સપાટી છે.