લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, મોંઘવારીનો દર ધાર્યા કરતાં સતત ઊંચો રહ્યો છે પરંતુ તેનો અર્થ એ નથી કે ફુગાવાને નાથવા માટે અમે અમલમાં મૂકેલી નીતિઓ ખોટી છે. અમારી નીતિઓ સાચી જ છે. ફુગાવો ઘટાડવા માટે સરકારે અપનાવેલી ટૂલકીટ, આર્થિક નીતિ અને મુદ્રાનીતિમાં કશું ખોટું નથી.
સુનાકે સ્વીકાર્યું હતું કે, લોકોની ધારણા કરતાં ફુગાવાનો દર સતત ઊંચો રહ્યો છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડને આકરા નિર્ણયો લેવાની ફરજ પડી રહી છે અને ઊંચા વ્યાજદરોના કારણે અર્થતંત્ર ધીમું થવામાં સમય લાગી રહ્યો છે કારણ કે મોટી સંખ્યામાં લોકો ફિક્સ્ડ રેટ મોર્ગેજથી સંરક્ષિત છે. સરકાર ઊધારી કરવામાં અને સરકારી કર્મચારીઓના પગાર પર જવાબદાર બનીને બેન્ક ઓફ ઇંગ્લેન્ડને સહાય કરી શકે છે. જો સરકાર આ મામલામાં ખોટા નિર્ણયો લેશે તો ફુગાવાની સ્થિતિ વધુ બદતર બનશે.
ફુગાવો ઘટાડવાની કઇ યોજના તમારી પાસે છે તેવા સવાલના જવાબમાં રિશી સુનાકે જણાવ્યું હતું કે, મારી પાસે એવી કોઇ યોજના નથી. અમે 100 ટકા પ્રયાસ કરી રહ્યાં છીએ જેથી ફુગાવાનો દર ઘટી શકે.


