લંડનઃ જાન્યુઆરીમાં ફુગાવાનો દર 3 ટકા પર પહોંચી જતાં કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ ફરી એકવાર ગંભીર બનવાની સંભાવના છે. ફુગાવાના દરમાં વધારાને પગલે સ્થાનિક સત્તામંડળો પણ કાઉસિલ ટેક્સમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યાં છે.
ખાદ્યપદાર્થો, હવાઇ ભાડાં અને પ્રાઇવેટ સ્કૂલની ફીમાં વધારાને પગલે જાન્યુઆરી 2025માં ફુગાવાનો દર 3 ટકા પર પહોંચી ગયો હતો. ડિસેમ્બર 2024માં ફુગાવાનો દર 2.5 ટકા રહ્યો હતો. તેનો અર્થ એ થયો કે છેલ્લા 10 મહિનામાં જાન્યુઆરીમાં સૌથી ઝડપથી મોંઘવારી વધી છે.
ફુગાવામાં વધારાના પગલે ઇંગ્લેન્ડની મોટાભાગની કાઉન્સિલો એપ્રિલ મહિનાથી કાઉન્સિલ ટેક્સમાં ઓછામાં ઓછા 4.99 ટકાનો વધારો કરવા તૈયારી કરી રહી છે. સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ઇંગ્લેન્ડની 139 ટોપ ટાયર ઓથોરિટી પૈકીની 85 ટકાએ કાઉન્સિલ ટેક્સમાં 4.99 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકી દીધો છે.
જો સ્થાનિક સત્તામંડળો 5 કે તથી વધુ ટકાનો વધારો કરવા ઇચ્છતા હોય તો તેમણે સ્થાનિક જનમત લેવો પડે. જોકે ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી 6 કાઉન્સિલને જનમત વિના જ 5 ટકા કરતાં વધુનો વધારો કરવાની પરવાનગી આપી દેવાઇ છે. જ્યારે અન્ય 90 ટકા કાઉન્સિલ 4.99 ટકા વધારો કરવા જઇ રહી છે. 17 કાઉન્સિલે તો આ વાતને સમર્થન આપી દીધું છે જ્યારે અન્ય 122 કાઉન્સિલ મંજૂરીની રાહ જોઇ રહી છે.
સ્કોટલેન્ડની કાઉન્સિલોમાં છેલ્લા 20 વર્ષનો સૌથી મોટો વધારો
બે મિલિયન સ્કોટિશનું પ્રતિનિધિત્વ કરતી સ્કોટલેન્ડની કાઉન્સિલો કાઉન્સિલ ટેક્સમાં છેલ્લા 20 વર્ષનો સૌથી મોટો વધારો કરવા જઇ રહી છે. એડિનબરો, ગ્લાસગો, ફાઇફ, સ્કોટિશ બોર્ડર્સ અને નોર્થ લાનાર્કશાયર નવા દર નક્કી કરી રહ્યાં છે. તેઓ કાઉન્સિલ ટેક્સમાં 7 થી 10 ટકાનો વધારો કરશે.