લંડનઃ યુકેના ફૂડ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓના જણાવ્યા અનુસાર વિશ્વમાં ઘઉંના બે મોટા સપ્લાયર રશિયા અને યુક્રેન વચ્ચે વણથંભ્યા યુદ્ધની અસરરુપે આ વર્ષે ફૂડ પ્રાઈસીસમાં 15 ટકાનો ઉછાળો જોવા મળશે. રશિયન આક્રમણના કારણે ઓઈલ અને ગેસની કિંમતો પણ વધી ગઈ છે. આ જ રીતે, ફર્ટિલાઈઝર, ચ્રાન્સપોર્ટ અને હીટિંગ વધુ મોંઘા બનશે. આગામી મહિને સંખ્યાબંધ નવા ટેક્સીસ અને બિલ્સમાં વધારા સાથે પરિવારોનું જીવન દોહ્યલું બની જશે. લોકો આજની સરખામણી પાંચ દાયકા અગાઉના કષ્ટપૂર્ણ જીવન સાથે કરી રહ્યા છે.
રેઝોલ્યુશન ફાઉન્ડેશન થિન્ક ટેન્કની ચેતવણી છે કે આ સ્પ્રિંગમાં ફૂગાવો 1982 પછી સૌથી વધુ 8.4 ટકા સુધી ઊંચે જશે, સામાન્ય પરિવારોની આવકમાં 4 ટકાનો ઘટાડો જોવાશે જે, 1970ના દાયકાની મધ્ય પછી સૌથી તીવ્ર ઘટાડો હશે. ફાઉન્ડેશનની આગાહી છે કે વધતા ભાવના કારણે લોકોની વાસ્તવિક આવકમાં આ વર્ષે 1,000 પાઉન્ડ જેટલો ઘટાડો થઈ શકે છે.
2 Sisters Food ગ્રૂપનું કહેવું છે કે યુક્રેન યુદ્ધના કારણે એનર્જી અને ઘઉંની કિંમતો ઊંચી જવાથી તેઓ ચિકન્સ માટે વધુ 50 ટકા કિંમત ચૂકવી રહ્યા છે. આનો મૂળભૂત અર્થ એમ કરી શકાય કે દેશ તરીકે આપણે આયાત ઘટાડી ઉત્પાદન વધારવું પડશે. યુકેમાં એનર્જી ખર્ચા, ખોરાકની કિંમતો અને અન્ય બિલ્સ ઊંચે જઈ રહ્યા હોવાથી પરિવારો માટે ગત 50 વર્ષમાં તેમના બજેટ પર ભારે દબાણની સ્થિતિ સર્જાઈ રહી છે.
પાંચ દાયકા અગાઉ, આસમાને ગયેલી ઓઈલની કિંમતો અને વૈશ્વિક મંદીના લીધે દેશ ગંભીર આર્થિક અરાજકતામાં ધકેલાયો હતો. પરિવારોએ હીટિંગનું રેશનિંગ કરવું પડ્યું હતું, પેટ્રોલ સ્ટેશનો પર વાહનચાલકોની લાંબી કતારો લાગતી હતી અને સુપરમાર્કેટ્સની અભરાઈઓ ખાલી રહેતી હતી.


