ફૂડ સપ્લાયની અછત ક્રિસમસ રદ કરાવશે?

Wednesday 01st September 2021 06:43 EDT
 

લંડનઃ બ્રિટનમાં ફૂડ સપ્લાયની જે પ્રમાણે અછત ચાલી રહી છે તે જોતાં સતત બીજા વર્ષે પણ ક્રિસમસ રદ કરવાની ફરજ પડી શકે તેવી ચેતવણી સુપરમાર્કેટ્સના બોસીસે આપી છે. આ વર્ષે ૨૫ ડિસેમ્બર સારી રીતે વીતાવવાની આશા રાખતા બ્રિટિશ નાગરિકોને આંચકો મળી શકે છે. ફૂડ સપ્લાયની અછત સમસ્યા હજુ મહિનાઓ સુધી ખેંચાઈ જવાનો ભય છે.

સુપરમાર્કેટ્સ આઈસલેન્ડ, ટેસ્કો, કો-ઓપરેટિવ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ્ઝે જણાવ્યું છે કે લોરી ડ્રાઈવર્સના અભાવે તેમના સુધી ડિલિવરી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. બ્રિટનમાં હાલ ૧૦૦,૦૦૦ HGV ડ્રાઈવર્સની ઘટ છે. ગયા વર્ષે કોવિડ લોકડાઉનના કારણે બ્રિટિશરોને માત્ર ૨૫ ડિસેમ્બરે જ તેમની નિકટના સ્વજનોને મળવાની છૂટ  અપાઈ હતી તેનું પુનરાવર્તન આ વર્ષે પણ થઈ શકે છે. સામાન્ય રીતે વર્ષના સૌથી મહત્ત્વના સમયગાળા ક્રિસમસ માટે સપ્ટેમ્બર મહિનાથી જ સ્ટોર્સ- સુપરમાર્કેટ્સમાં સ્ટોકનો સંગ્રહ શરૂ કરી દેવાય છે પરંતુ, હાલ મોટા ભાગની અભરાઈઓ ખાલી દેખાય છે અને વર્તમાન માગને જ પહોંચી વળવાનું મુશ્કેલ જણાય છે. અનેક પ્રોડક્ટ્સ મેળવવી મુશ્કેલ છે.

ગ્રોસરીઝની અછત પણ ગંભીર સ્તરે પહોંચી રહી છે અને ધીરે ધીરે વધતી જશે. બોટલ્ડ પાણી અને બિયર પણ મળવા મુશ્કેલ થયા છે. મેક્ડોનાલ્ડ્સને ડ્રિન્ક્સની અછત સતાવે છે તો નાન્ડોઝે ચિકનની અછતના લીધ ૫૦ રેસ્ટોરાં બંધ કરવા પડ્યા છે. પોલ્ટ્રીના ફાર્મર્સ કહે છે કે તેમની પાસે પૂરતો સ્ટાફ નથી અને આ વર્ષે ક્રિસમસ માટે ૨૦ ટકા ઓછી ટર્કીઝનું ઉત્પાદન થશે.

આ અછત વચ્ચે કેટલીક ફર્મ્સ ડ્રાઈવરોને આકર્ષવા તેમના પગાર વધારી રહી છે જેઓ ઘણા વર્ષથી ઓછું વતન મેળવતા હતા. જ્હોન લેવિસે તેમના ડ્રાઈવર્સનો વાર્ષિક ૫,૦૦૦ પાઉન્ડ વધાર્યો છે અને નવી ભરતીને ૧૦૦૦ પાઉન્ડનું ‘ગોલ્ડન હલો’ ઓફર કરાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter