ફેમિલી વિઝા માટેની લઘુત્તમ આવક મર્યાદા 29,000 પાઉન્ડ પર યથાવત

માઇગ્રેશન એડવાઇઝરી કમિટીની સમીક્ષા બાદ ફેમિલી ઇમિગ્રેશન નિયમો પર નિર્ણય લેવાશેઃ હોમ સેક્રેટરી

Tuesday 06th August 2024 11:18 EDT
 

લંડનઃ સ્ટાર્મર સરકારે બ્રિટિશ નાગરિકો અને પરમેનેન્ટ રેસિડન્ટસ માટે પરિવારજનોને દેશમાં લાવવા માટે જરૂરી લઘુત્તમ આવકની મર્યાદા વધારવાની યોજના પર રોક લગાવી દીધી છે. ભારતીય પરિવારોને અસર કરતા આ નિર્ણયને હોમ સેક્રેટરી કુપરે હાઉસ ઓફ કોમન્સમાં લેખિત નિવેદન આપીને સમર્થન આપ્યું હતું. હાલમાં ફેમિલી વિઝા માટેની લઘુત્તમ આવક મર્યાદા 29,000 પાઉન્ડ પ્રતિ વર્ષ છે. સ્વતંત્ર માઇગ્રેશન એડવાઇઝરી કમિટી પરિવારો પર પડનારી અસરોની  સમીક્ષા કરીને રિપોર્ટ ન આપે ત્યાં સુધી આ મર્યાદા યથાવત રાખવામાં આવી છે.

માઇગ્રેશન એડવાઇઝરી કમિટીને આઇટી અને એન્જિનિયરિંગ સહિતના મહત્વના સેક્ટરોમાં વિદેશી અને ખાસ કરીને ભારતીય કર્મચારીઓ પર રખાતા આધારનું મૂલ્યાંકન કરવા પણ જણાવવામાં આવ્યું છે. કુપરે જણાવ્યું હતું કે, લઘુત્તમ આવક મર્યાદા સહિતના ફેમિલી ઇમિગ્રેશન નિયમો દેશની આર્થિક સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા અને પારિવારિક જીવન માટે સન્માન વચ્ચે સંતુલિત હોવા જોઇએ. તેમણે સમીક્ષાની જરૂરીયાત પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, યોગ્ય સંતુલન સધાય અને કોઇપણ બદલાવ માટે આધારભૂત પુરાવા મળે તે માટે હું ફેમિલી ઇમિગ્રેશન નિયમોમાં આર્થિક જરૂરીયાતની સમીક્ષા કરવા માઇગ્રેશન એડવાઇઝરી કમિટીને કામ સોંપી રહી છું. હાલમાં આ આર્થિક મર્યાદા 29,000 પાઉન્ડ છે અને કમિટીની સમીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી તે યથાવત રહેશે.

અગાઉની સુનાકના વડપણ હેઠળની કન્ઝર્વેટિવ સરકારે ડિસેમ્બર 2023માં માઇગ્રેશન પર નિયંત્રણ લાદવા શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરી હતી. તે અંતર્ગત જીવનસાથી અથવા માતાપિતા માટેના ફેમિલી વિઝા માટે લઘુત્તમ આવક મર્યાદા 18600 પાઉન્ડથી વધારીને 29000 પાઉન્ડ કરાઇ હતી. આ આવકમર્યાદા તબક્કાવાર વધારીને 38700 પાઉન્ડ કરવાની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter