ફેમિલી વિઝાઃ પગાર મર્યાદા 29,000 પાઉન્ડ કરાશે

ઉગ્ર વિરોધ બાદ જીવનસાથીને યુકે લાવવાના નિયમમાં સરકારનો યુ ટર્ન, ફેમિલી વિઝા સ્કીમમાં કરાયેલા બદલાવ નવા અરજકર્તાઓને જ લાગુ પડશે

Wednesday 03rd January 2024 08:34 EST
 
 

લંડનઃ યુકેના નાગરિકો માટે વિદેશી જીવનસાથીને દેશમાં લાવવા માટે બદલાયેલા નિયમો મુદ્દે ભારે વિરોધ વંટોળ સર્જાતાં સરકાર નિયમોમાં બદલાવ કરવા જઇ રહી છે. ડિસેમ્બરના પ્રારંભમાં ઇમિગ્રેશન અંગેના નવા નિયમોની જાહેરાત કરતા હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, વિદેશી જીવનસાથીને યુકેમાં લાવવા ઇચ્છતા નાગરિકની પગાર મર્યાદા વધારીને 38,700 પાઉન્ડ કરાશે. આ મુદ્દે ભારે વિરોધ થતાં હવે સરકાર આ મર્યાદા 29000 પાઉન્ડ કરવા જઇ રહી છે.

હોમ ઓફિસના દસ્તાવેજ અનુસાર વિદેશી જીવનસાથીને યુકેમાં લાવવા ઇચ્છતા નાગરિકની પગારમર્યાદા 29000 પાઉન્ડ રખાશે જે અગાઉ જાહેર કરાયેલ 38700 પાઉન્ડની મર્યાદા કરતાં 10,000 પાઉન્ડ ઓછી રહેશે.

સરકાર દ્વારા કરાયેલા નિયમોના બદલાવના કારણે મોટાભાગના નાગરિકો તેમના વિદેશી જીવનસાથીને દેશમાં લાવવાથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઇ હતી. નવા નિયમો પ્રમાણે 38700 પાઉન્ડ કરતાં વધુ આવક ધરાવતા નાગરિક જ તેમના વિદેશી જીવનસાથીને સ્પોન્સર કરી શકે તેવો નિયમ જાહેર કરાયો હતો. આ પહેલાં આ પગાર મર્યાદા ફક્ત 18600 પાઉન્ડ હતી.

તે સમયે હોમ સેક્રેટરી ક્લેવરલીએ જણાવ્યું હતું કે, જે લોકો આર્થિક રીતે બોજો વહન કરી શકશે તેઓ જ પોતાના આશ્રિતોને યુકેમાં લાવી શકશે. પરંતુ ક્રિસમસ પહેલાંના સપ્તાહમાં જાહેર કરાયેલા સરકારી દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે આ પગાર મર્યાદા વધારીને 29000 પાઉન્ડ કરાશે. જોકે આ વધારો ક્યારથી અમલમાં આવશે તેની ચોક્કસ જાહેરાત કરાઇ નથી. આ મર્યાદામાં ચોક્કસ તારીખ પછી તબક્કાવાર વધારો કરાશે કે કેમ તે અંગે પણ કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.

હોમ ઓફિસે એમ પણ જણાવ્યું હતું કે, ફેમિલી વિઝા સ્કીમમાં કરાયેલા બદલાવ નવા અરજકર્તાઓને જ લાગુ પડશે. લઘુત્તમ પગાર મર્યાદામાં વધારા પહેલા જેમને ફિયાન્સી વિઝા મંજૂર કરાયા છે તેઓ જ્યારે ફેમિલી વિઝા માટે અરજી કરશે ત્યારે તેમને નવી પગાર મર્યાદાને સ્થાને 18600 પાઉન્ડની જૂની પગાર મર્યાદા જ લાગુ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter