લંડનઃ ઈંગ્લેન્ડમાં કોરોના વાઈરસને લીધે અમલી લોકડાઉનના કારણે ચાર મહિના સુધી બંધ રહેલા ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા ૨૨ જુલાઈથી શીખાઉ ચાલકોને પરવાનગી અપાઈ હતી. લર્નર અને એક્ઝામિનરને કોવિડ-૧૯ સામે રક્ષણ આપવા માટે સલામતીના પગલાં લેવાયા છે. ડ્રાઈવર એન્ડ વ્હીકલ સ્ટાન્ડકર્ડસ એજન્સી (DVSA)એ ઉમેદવારો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જો લર્નર્સ તેમના ટેસ્ટ માટે ફેસ માસ્ક પહેર્યા વિના આવશે તેમના ટેસ્ટ રદ કરી દેવાશે સિવાય કે, તેમણે અગાઉથી જાહેર કર્યું હોય કે શારીરિક અથવા માનસિક બીમારીના કારણે તકલીફ થતી હોવાથી તેઓ ચહેરાને ઢાંકી શકે તેમ નથી. આ ઉપરાંત, ડ્રાઈવર કોઈ ગંભીર અથવા જોખમી ભૂલ કરશે તો તેને ટેસ્ટમાં ફેઈલ જાહેર કરાશે.
લોકડાઉન પહેલા દરરોજ સરેરાશ ૪,૦૦૦ લર્નર્સ ડ્રાઈવિંગ ટેસ્ટ આપતા હતા. તેને જોતાં ૪૯૬,૦૦૦ લર્નરો પરીક્ષા આપવા ઈચ્છુક હશે. ઈંગ્લેન્ડમાં ૧૯ માર્ચથી ડ્રાઈવિંગ થીયરી ટેસ્ટ પણ મુલતવી રખાયા હતા. જોકે, લોકડાઉનના નિયમો હળવાં થતાં તે ૪ જુલાઈથી ફરી શરૂ થયાં છે. સ્કોટલેન્ડમાં પણ ૨૨ જુલાઈથી થીયરી ટેસ્ટ શરૂ થયા છે, જોકે, પ્રેક્ટિકલ ટેસ્ટ ક્યારે શરૂ થશે તેની ૩૦ જુલાઈએ જાહેરાત થશે. વેલ્સમાં ૩જી ઓગસ્ટે થીયરી ટેસ્ટ ફરી શરૂ થશે અને કાર ડ્રાઈવિંગ ટેસ્ટ ૧૭ ઓગસ્ટે શરૂ થશે.
યુકેમાં ડ્રાઈવિંગ ટેસ્ટનું સંચાલન કરતી DVSAએ જણાવ્યું હતું કે ડ્રાઈવિંગ ટેસ્ટ માટેના નવા નિયમો કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા તથા લર્નરો અને એક્ઝામિનરોનો સાથે બેસવાનો સમયગાળો ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપ છે.
લર્નર ગંભીર અથવા જોખમી ભૂલ કરે તો ટેસ્ટ તરત જ રદ કરાય તે સૌથી નોંધપાત્ર સુધારાઓ પૈકીનો એક છે. સામાન્ય સંજોગોમાં ઉમેદવાર આ ભૂલો પૈકીની એક ભૂલ કરે તો તેને અંત સુધી પ્રેક્ટિકલ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા દેવાય છે. ટેસ્ટ પૂરો ન થાય ત્યાં સુધી ડ્રાઈવરને તેની ભૂલ વિશે જણાવાતું નથી. જોકે, સોશિયલ ડિસ્ટન્સિંગના અમલમાં ડ્રાઈવર આવી ભૂલ કરે તો તરત જ ટેસ્ટ રદ કરી દેવાશે અને તેને નાપાસ જાહેર કરાશે.