લંડનઃ ટીએસબી દ્વારા દાવો કરાયો છે કે ફેસબુક માર્કેટ પ્લેસ પર આવતી દર 3માંથી એક જાહેરાત સ્કેમ હોય છે. ગ્રાહકોએ ફેસબુક માર્કેટ પ્લેસ પરથી ખરીદી કરવાનું ટાળવું જોઇએ. બેન્કે જણાવ્યું હતું કે, ટીએસબીમાં આવતા ખરીદીના ફ્રોડ કેસમાં 73 ટકા કેસ ફેસબુક માર્કેટ પ્લેસના હોય છે. ગયા વર્ષે માર્કેટ પ્લેસ દ્વારા ખરીદી કરનારા ગ્રાહકોને 60 મિલિયન પાઉન્ડનો ચૂનો લાગ્યો હતો. તેનો અર્થ એ થયો કે ફેસબુક માર્કેટ પ્લેસના માધ્યમથી રોજના સરેરાશ 1,60,000 પાઉન્ડના સ્કેમ આચરાઇ રહ્યાં છે.
ટીએસબીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જો 33 ટકા આઇટમ વાસી અથવા બનાવટી હોય તો તમે સુપરમાર્કેટમાંથી ખરીદી કરતા નથી. આજ બાબત ફેસબુક માર્કેટ પ્લેસને પણ લાગુ પડે છે. જેમાં તમારી સાથે ફ્રોડ થવાની 33 ટકા સંભાવના છે. સોશિયલ મીડિયા કંપનીઓએ પણ તાત્કાલિક તેમના પ્લેટફોર્મ પરથી આ પ્રકારની છેતરપિંડી કરતી જાહેરાતો હટાવીને ઓનલાઇન ફ્રોડ ચાર્ટર અંતર્ગત આપેલા વચનોનું પાલન કરવું જોઇએ.
ટીએસબીની ફ્રોડ ટીમ દ્વારા કરાયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, 34 ટકા જાહેરાતો ફ્રોડ હતી. આ પ્રકારની જાહેરાતો મૂકનારા ખરીદકર્તાને બનાવટી વેબસાઇટ પર લઇ જતાં હતાં અને એડવાન્સમાં નાણા ન ચૂકવે ત્યાં સુધી આઇટમ બતાવવાનો ઇનકાર કરતાં હતાં.


