ફેસબૂક-મેટા સામે £૨.૩ બિલિયનનો ડેટા દુરુપયોગનો ક્લાસ એક્શન કેસ

Wednesday 19th January 2022 05:08 EST
 
 

લંડનઃ યુકેના ૪૪ મિલિયન જેટલા ફેસબૂક વપરાશકારને વળતર તરીકે ૨.૩ બિલિયન પાઉન્ડ (૩.૨ બિલિયન ડોલર)નું સંયુક્ત વળતર મેળવવાનો ક્લાસ એકશન કાનૂની કેસ કરવાની ચેતવણી પેરન્ટ કંપની મેટાને અપાઈ છે. કોમ્પિટિશન કાયદાની નિષ્ણાત અને ફાઇનાન્સિયલ કંડક્ટ ઓથોરિટી (FCA)ની વરિષ્ઠ સલાહકાર ડો. લિઝા લવડ્હાલ ગોર્મસેને કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલ સમક્ષ આ કેસ લઈ જવાનો ઈરાદો જાહેર કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મેટા કંપનીએ યુકેના ફેસબૂક ઉપયોગકર્તાઓની અંગત માહિતીનો દુરુપયોગ કરવા પોતાના માર્કેટ પ્રભુત્વનો ઉપયોગ કર્યો છે.

ડો. ગોર્મસેને ૨૦૧૫થી ૨૦૧૯ના ગાળામાં ફેસબૂકનો ઉપયોગ કરનારા લોકો વતી આ કેસ દાખલ કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ ગાળામાં યુકેમાં રહેતા કોઈએ પણ એક વખત ફેસબૂકનો ઉપયોગ કર્યો હોય તેઓ ક્લેઈમનો હિસ્સો બનવા તૈયાર ન હોય (ઓપ્ટ આઉટ) તે સિવાય તેમાં હિસ્સેદાર બનશે. જોકે, યુકેની સુપ્રીમ કોર્ટે નવેમ્બરમાં લાખો આઈફોન્સના કથિત ગેરકાયદે ટ્રેકિંગ બાબતે ગૂગલ પાસે બિલિયન્સ પાઉન્ડનું વળતર માગવામાં ઓપ્ટ આઉટ ક્લેઈમને નકારી કાઢ્યો હતો.

ફેસબૂક સામે નેટવર્કની પહોંચ પૂરી પાડવા બદલ વપરાશકારો પર અયોગ્ય શરતો લાદવાનો અને ૪૪ મિલિયન યુઝર્સના કિંમતી ડેટા હાંસલ કરી તેના થકી બિલિયન્સ ડોલરની કમાણી કરી હોવાનો આરોપ લગાવાયો છે. જોકે, ફેસબૂક આક્ષેપનો ઈનકાર કરી જણાવે છે કે લોકો પર કોઈ દબાણ કરાયું નથી અને લોકોએ તેમના માટે ઉપયોગી લાગતું હોવાથી તેની સેવાનો ઉપયોગ કર્યો હતો. મેટાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે વપરાશકારો તેમણે શેર કરેલી માહિતી પર અર્થપૂર્ણ નિયંત્રણ ધરાવતા હતા.

ઉલ્લેખનીય છે કે યુએસ સરકાર દ્વારા ટેક કંપનીઓ વિરુદ્ધ સૌથી મોટા કાનૂની પડકારોમાં એક, ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા એન્ટિ ટ્રસ્ટ કાનૂની દાવાને નકારવાની ફેસબૂકની વિનંતીને જજે તાજેતરમાં ફગાવી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter