ફોન હેકિંગ દાવાના સમાધાનની રકમ £૧ બિલિયને પહોંચશે

Wednesday 15th May 2019 03:30 EDT
 
 

લંડનઃ ધ સન’ અને હાલ નિષ્ક્રિય ‘ન્યૂઝ ઓફ વર્લ્ડ’ના પ્રકાશક તેમજ મિરર ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના પ્રકાશકોએ ફોન હેકિંગ માટે એક બિલિયન પાઉન્ડ સુધીનું બીલ ચૂકવવું પડે તેવી શક્યતા પીડિતોનું પ્રતિનિધિત્વ કરતા ‘હેક્ડ ઓફ’ ગ્રૂપે દર્શાવી છે. પીડિતો સાથે સમાધાન અને લીગલ કોસ્ટની રકમ લગભગ £૫૦૦ મિલિયન પર પહોંચી છે. હજુ સેંકડો દાવાની પ્રક્રિયા ચાલે છે અને અને હજારો પીડિતો દ્વારા દાવાની શક્યતા છે.

‘હેક્ડ ઓફ’ના નાથન સ્પાર્ક્સે બીબીસીને જણાવ્યું હતું, ‘વધુને વધુ પીડિતો સંપર્ક સાધી રહ્યા છે જે, સૂચવે છે કે હજુ સેંકડો દાવા થઈ શકે. કોઈપણ રકમમાં કેસીસની પતાવટની મિરર ગ્રૂપ ન્યૂઝપેપર્સ અને સન અને ન્યૂઝ ઓફ વર્લ્ડ યુકેના માલિકોની તૈયારી દર્શાવે છે કે તેઓ દાવાઓની કોર્ટમાં સુનાવણી ઈચ્છતા નથી જેનાથી, કોર્પોરેટ કંપનીઓ સામે અન્ય સંખ્યાબંધ આક્ષેપો પણ જાહેરમાં આવી શકે. તમામ પ્રકાશકોને થનારો કુલ ખર્ચ ધ્યાનમાં લેવાય તો આ કૌભાંડમાં સમાધાનની કુલ રકમ એક બિલિયન પાઉન્ડથી પણ વધી જાય.

ન્યૂઝ યુકેના પ્રવક્તાએ કેસ ચાલુ હોવાથી ટીકા-ટિપ્પણનો ઈનકાર કર્યો હતો. ન્યૂઝ ઓફ ધ વર્લ્ડના કર્મચારી ગ્લેન મુલ્કેરે હત્યા કરાયેલી ટીનેજર મિલી ડોલરનો ફોન હેક કર્યો હતો, જેનાથી દેશમાં રોષ ફેલાવા સાથે અખબાર બંધ કરવાની માગણી થઈ હતી. લોર્ડ જસ્ટિસ સર બ્રાયન લેવેસનના અધ્યક્ષપદે પ્રેસ, પોલીસ અને રાજકારણીઓની વર્તણુંક માટે બે ભાગની જાહેર તપાસમાં બીજા ભાગની તપાસ ક્રિમિનલ પ્રોસિક્યુશન પૂરું થાય ત્યાં સુધી મુલતવી રખાઈ હતી, જે સરકારે પાછળથી બંધ કરી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter