ફોરેન સેક્રેટરી કૂપરની પ્રથમ ભારત મુલાકાત, સંબંધો મજબૂત કરવા પ્રયાસ

મુક્ત વેપાર કરારના ઝડપી અમલ માટે બંને દેશ પ્રતિબદ્ધ

Tuesday 09th June 2026 10:29 EDT
 
 

લંડનઃ ફોરેન સેક્રેટરી ય્વેટ કૂપર ગયા સપ્તાહમાં ભારતની મુલાકાતે પહોંચ્યા હતા. ફોરેન સેક્રેટરી તરીકેની આ તેમની પ્રથમ ભારત મુલાકાત હતી. બેંગાલુરુમાં વિદેશી યુનિવર્સિટી કેમ્પસની સ્થાપનાથી લઈને વ્યૂહાત્મક ખનિજો અને દરિયાઈ સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં સંબંધ મજબૂત બનાવવા બંને દેશ દ્વારા પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઇ હતી.

કૂપરે ભારત યુકે વિઝન 2035 પર ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે વ્યાપક ચર્ચા કરી હતી અને વડાપ્રધાન મોદી સાથે પણ અલગથી મુલાકાત કરી હતી. આ બેઠકો દરમિયાન વિકાસ, ટેકનોલોજી, ઇનોવેશન, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા અને સ્વચ્છ ઉર્જા, તેમજ શિક્ષણ પર વિગતવાર ચર્ચા થઈ હતી. બંને મંત્રીઓએ મુક્ત વેપાર કરારનો ઝડપથી અમલ કરવા પર ભાર મૂક્યો હતો.

સંરક્ષણ ક્ષેત્રે અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત ભારત અને બ્રિટનની સૈન્ય તાલીમ સંસ્થાઓ વચ્ચે લશ્કરી પ્રશિક્ષકોની આપ-લે કરવામાં આવશે. આ મુલાકાતની સૌથી મોટી હાઈલાઈટ્સમાંની એક યુનિવર્સિટી ઓફ લિવરપૂલને ભારતની નવી શિક્ષણ નીતિ હેઠળ બેંગાલુરુમાં પોતાનું કેમ્પસ સ્થાપવા માટે મંજૂરી પત્ર સોંપવાની રહી. ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, બ્રિટિશ વિદેશ મંત્રી કૂપર અને ભારતના વિદેશ મંત્રી જયશંકરની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરવામાં આવી હતી.

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે તાજેતરમાં જ આખરી ઓપ આપવામાં આવેલા વ્યાપક વ્યાપાર કરાર અને સંરક્ષણ ઔદ્યોગિક રોડમેપના જોરે ભારત અને બ્રિટન પરસ્પર હિતો પર આધારિત એક નવી ભવિષ્યલક્ષી ભાગીદારીનું નિર્માણ કરવા માટે અત્યંત મજબૂત સ્થિતિમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter