લંડન: ઉંમર માત્ર એક આંકડો છે, તે વાતને સાર્થક કરતા 80 વર્ષીય શીખ વૃદ્ધ તરણજીત સિંહ ચંદ્રા આગામી રવિવારે યોજાનારી પ્રખ્યાત લંડન મેરેથોનમાં પ્રથમ વખત ભાગ લેવા જઈ રહ્યા છે. તેમની આ સફર પાછળ વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન રનર ફૌજા સિંહની પ્રેરણા રહેલી છે.
તરણજીત સિંહે જણાવ્યું હતું કે, જ્યારે તેમણે 101 વર્ષની વયે મેરેથોન દોડતા ફૌજા સિંહને જોયા ત્યારે તેમને વિચાર આવ્યો કે જો તેઓ આ ઉંમરે દોડી શકતા હોય તો હું કેમ નહીં? ફૌજા સિંહે તરણજીતના જીવનમાં એક નવો ઉત્સાહ ભરી દીધો અને તેમણે દોડવાની શરૂઆત કરી.
આ મેરેથોન દ્વારા તરણજીત સિંહ માત્ર પોતાની ક્ષમતા સાબિત કરવા નથી માંગતા પરંતુ તેઓ એક સામાજિક હેતુ માટે પણ દોડી રહ્યા છે. તેઓ 'સિટી સિખ્સ' સંસ્થા માટે ભંડોળ એકત્ર કરી રહ્યા છે, જે સમાજમાં એકતા અને સેવાના કાર્યો કરે છે.
તેમણે જણાવ્યું કે, શિસ્તબદ્ધ જીવનશૈલી અને નિયમિત પ્રેક્ટિસ તેમના માટે ચાવીરૂપ સાબિત થઈ છે. લંડનના રસ્તાઓ પર ૨૬.૨ માઈલનું અંતર કાપવા માટે તેઓ છેલ્લા ઘણા સમયથી સખત મહેનત કરી રહ્યા છે.


