ફૌજાસિંહનું મોત નિપજાવનાર એનઆરઆઇ ભારતીયની ધરપકડ

અમૃતપાલસિંહ ઢિલ્લો કારની ટક્કર મારી નાસી છૂટ્યો હતો

Tuesday 22nd July 2025 12:38 EDT
 
 

લંડનઃ વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન રનર બ્રિટિશ ભારતીય ફૌજા સિંહનું ૧૧૪ વર્ષની વયે એક માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. ટર્બન ટોર્નાડો નામથી પ્રખ્યાત ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક ફૌજા સિંહને તેમના વતન પંજાબના જાલંધર જિલ્લામાં ગયા સોમવારે એક એસયુવીએ ટક્કર મારતા તેમનું મોત નીપજ્યું હતું. પંજાબ પોલીસે ફૌજા સિંહને ટક્કર મારનાર ૩૦ વર્ષીય એસયુવી ચાલક એનઆરઆઈ અમૃતપાલ સિંહ ઢિલ્લોની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરી હતી. અકસ્માતના સાક્ષીઓએ દાવો કર્યો હતો કે, એસયુવી ટકરાયા પછી ફૌજા સિંહ પાંચથી સાત ફૂટ હવામાં ઉછળ્યા હતા. ભારતના પંજાબના આદમપુર પોલીસ સ્ટેશનના એસએચઓ હરદેવપ્રીત સિંહે કહ્યું કે, ફૌજા સિંહને ટક્કર માર્યા પછી એસયુવી ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા અને સીસીટીવી ફૂટેજ ચકાસી એસયુવી ડ્રાઈવરની તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, અમૃતપાલની પૂછપરછ કરવામાં આવતા તેણે ગૂનો કબૂલી લીધો હતો. કરતારપુરનો નિવાસી અમૃતપાલ સિંહ ઢિલ્લો ટુરીસ્ટ વિઝા પર કેનેડા ગયો હતો. ત્યાં જઈને તેણે ૨૦૨૭ સુધીની વર્ક પરમીટ મેળવી હતી. અમૃતપાલ સિંહ ગયા મહિને જ ભારત પાછો ફર્યો હતો. પોલીસ તપાસમાં અમૃતપાલ સિંહ ઢિલ્લોએ કહ્યું કે, તેને કોઈ કામની ઉતાવળ હોવાથી તિવ્ર ઝડપે એસયુવી ચલાવી રહ્યો હતો અને તેની કાર ફૌજા સિંહ સાથે અથડાઈ હતી. જોકે, અકસ્માતના કારણે તે ગભરાઈ ગયો હતો તેથી ઘટના સ્થળેથી ભાગી છૂટયો હતો.

સંપુર્ણ રાજકીય સન્માન સાથે ફૌજાસિંહની પંજાબમાં અંતિમવિધિ

વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન રનર ફૌજા સિંહને રવિવારે તેમના વતનના ગામ બિઆસ ખાતે સંપુર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઇ હતી. ભારતના પંજાબના રાજ્યપાલ ગુલાબચંગ કટારિયા, મુખ્યમંત્રી ભગવંત માન સહિતના મહાનુભાવો તેમની અંતિમ વિધિમાં હાજર રહ્યાં હતાં. સિહંના પુત્ર હરવિન્દરસિંહે તેમને મુખાગ્નિ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter