ફ્યૂલ ડ્યુટી 12 મહિના સુધી યથાવત રખાતાં વાહનચાલકોને મોટી રાહત

ડ્યુટી યથાવત રહેતાં વાહનચાલકોને સરેરાશ 100 પાઉન્ડની બચત થશે

Tuesday 21st March 2023 07:53 EDT
 
 

ચાન્સેલર જેરેમી હન્ટે ફ્યુઅલ ડ્યુટીનું માળખું યથાવત રાખીને યુકેના વાહનચાલકોને મોટી રાહત આપી છે. બુધવારે રજૂ કરેલા બજેટમાં જેરેમી હન્ટે પાંચ ટકાનો ડ્યુટી કાપ વધુ 12 મહિના લંબાવવાની ઘોષણા કરી હતી. વડાપ્રધાન રિશી સુનાક ચાન્સેલર હતા ત્યારે તેમણે ફ્યુઅલ ડ્યુટી 57.95 પેન્સ પ્રતિ લિટરથી ઘટાડીને 52.95 પેન્સ કરી હતી. તેમના દ્વારા કરાયેલા આ ઘટાડાની મુદત માર્ચના અંતે પુરી થતી હતી.

બજેટ રજૂ કરતાં ચાન્સેલર હન્ટે જણાવ્યું હતું કે, તેઓ સતત 13મા વર્ષે ફ્યુઅલ ડ્યુટીને યથાવત રાખી રહ્યાં છે જેના કારણે વાહનચાલકોને પ્રતિ વર્ષ 100 પાઉન્ડની બચત થશે. તેમણે સાંસદોને જણાવ્યું હતું કે, ફુગાવાનો દર ઊંચો હોવાના કારણે હાલ ઇંધણો પરની ડ્યુટીમાં વધારો કરવાનો યોગ્ય સમય નથી. તેથી હું વધુ એક વર્ષ માટે ઇંધણો પરની ડ્યુટી યથાવત રાખી રહ્યો છું. સરકારના આંકડા પ્રમાણે યુકેમાં પેટ્રોલ અને ડિઝલની પ્રતિ લિટર કિંમત અનુક્રમે 1.47 પાઉન્ડ અને 1.67 પાઉન્ડ છે. આ પહેલાં જુલાઇ 2022માં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે યુકેમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત અનુક્રમે 1.92 પાઉન્ડ અને 1.99 પાઉન્ડ પ્રતિ લિટરને આંબી ગઇ હતી.

રોડ પોલિસીના વડા નિકોલસ લાઇઝે જણાવ્યું હતું કે, અમે સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ. ફયુઅલ ડ્યુટી પરનો પાંચ પેન્સનો કાપ વધુ 12 મહિના યથાવત રહેવાથી વાહનચાલકોને મોટી રાહત મળી છે. સરકારે ફુગાવા સામેની લડાઇમાં ઇંધણો પરની ડ્યુટી નીચી રાખવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter