લંડનઃ યુકે અને ફ્રાન્સ વચ્ચે થયેલી વન ઇન વન આઉટ સંધિ અંતર્ગત ગુરુવારે પ્રથમ ગેરકાયદેસર માઇગ્રન્ટને એર ફ્રાન્સના વિમાન દ્વારા પેરિસ મોકલી અપાયો હતો. આ માઇગ્રન્ટ ભારતીય નાગરિક હતો. હોમ સેક્રેટરી શબાના માહમૂદે જણાવ્યું હતું કે, આપણી સરહદો સુરક્ષિત કરવા માટેનું પ્રથમ મહત્વનું પગલું છે. ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ માટે આ સ્પષ્ટ સંદેશ છે કે જો તમે યુકેમાં ગેરકાયદેસર આવશો તો અમે તમને દેશનિકાલ કરીશું.
આ પહેલાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ દ્વારા કરાયેલી અપીલોના કારણે 3 દિવસ સુધી તેમને દેશનિકાલ કરવા આડે અવરોધો સર્જાયાં હતાં. હોમ સેક્રેટરી શબાના માહમૂદે જણાવ્યું હતું કે, માઇગ્રન્ટ્સ મોડર્ન સ્લેવરીના દાવા કરીને આપણા કાયદા અને દેશની રહેમનજરનો ગેરલાભ ઉઠાવી રહ્યાં છે. અમે યુકે-ફ્રાન્સ ડીલ અંતર્ગત દેશનિકાલને પડકાર આપતા માઇગ્રન્ટ્સના કાનૂની પડકારો સામે લડતાં રહીશું.
યુકેએ ફ્રાંસ સાથે આ અંગે જે કરાર કર્યો છે તેને ‘વન ઈન, વન આઉટ’ નામ અપાયું છે જેમાં યુકે જેટલા ઈલીગલ ઈમિગ્રન્ટ્સને ફ્રાંસ મોકલશે તેટલા જ લીગલ ઈમિગ્રન્ટ્સને તે સ્વીકારશે. જે ઈન્ડિયનને આ કરાર હેઠળ ફ્રાંસ મોકલવામાં આવ્યો છે તેને વોલન્ટરી રિટર્ન એટલે કે સ્વેચ્છાએ ઈન્ડિયા પાછા જવા આર્થિક મદદ કરવામાં આવશે અને ફ્રાંસમાં તે અસાયલમ માગવા પણ હકદાર નહીં રહે. જો તેણે સેલ્ફ ડિપોર્ટેશન ના લીધું તો તેને બળજબરીપૂર્વક પણ ઈન્ડિયા પાછો મોકલવામાં આવી શકે છે.
બ્રિટિશ ગવર્મેન્ટના ઓફિશિયલ ડેટા અનુસાર ઓગસ્ટ 2025ની સ્થિતિએ યુકેના ઈમિગ્રેશન ડિટેન્શન સેન્ટર્સમાં 2,715 ઈન્ડિયન્સ કેદ હતા. નવાઈની વાત એ છે કે આ સંખ્યામાં છેલ્લા એક વર્ષમાં 108 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. યુકેએ ગયા વર્ષે જ 35,000 લોકોને ડિપોર્ટ કર્યા હતા અને હાલની સરકાર ઈલીગલ ઈમિગ્રન્ટ્સ ઉપરાંત વિઝાની શરતોનો ભંગ કરતા હોય તેવા લોકો સામે પણ સખ્ત પગલાં લઈ રહી છે જેમાં ઘણા ઈન્ડિયન્સનો પણ વારો આવી ગયો છે.


