ફ્રાન્સના પ્રમુખને ભારતની પ્રજાસત્તાક ઉજવણીમાં હાજરી ન આપવા બ્રિટિશ શિખોની અપીલ

આ પહેલાં અમેરિકી પ્રમુખ જો બાઇડેને પ્રજાસત્તાક પરેડમાં ભાગ લેવા ઇનકાર કર્યો હતો

Tuesday 23rd January 2024 11:34 EST
 
 

લંડનઃ બ્રિટનના શિખોએ ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંને ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી નહીં આપવા અપીલ કરી છે. તેમનો આરોપ છે કે ભારત સરકાર વિદેશોમાં શિખોને લક્ષ્યાંક બનાવી રહી છે. અમેરિકાના પ્રમુખ જો બાઇડને પ્રજાસત્તાક દિવસની પરેડમાં હાજરી આપવામાં અસમર્થતા જાહેર કર્યા પછી ભારત સરકારે જાહેરાત કરી હતી કે ફ્રાન્સના પ્રમુખ મેક્રોંએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણનો સ્વીકાર કર્યો છે અને તેઓ 26 જાન્યુઆરીની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.

બ્રિટનમાં શિખોના સૌથી મોટા સંગઠન શિખ ફેડરેશને આરોપ મૂક્યો છે કે ભારત સરકાર વિવિધ દેશોમાં શિખોને લક્ષ્યાંક બનાવી રહી છે. વિશેષ કરીને ભારતીય ડાયસ્પોરામાં રહેલા શિખ એક્ટિવિસ્ટોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે. અમે મેક્રોંને ભારતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજર નહીં રહેવાની અપીલ કરી છે.

બ્રિટિશ શિખોને જીવનું જોખમ હોવાની બ્રિટિશ પોલીસની ચેતવણી

ભારતની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ધમકીઓના દાવા અને ભારતમાં અલગતાવાદી ચળવળના મુદ્દે વધેલા તણાવ મધ્યે બ્રિટનમાં વસતા શિખોને પોલીસ દ્વારા ચેતવણી અપાઇ છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ દ્વારા કેટલાક શિખોને ઓસ્માન નોટિસો પાઠવવામાં આવી છે જેમાં તેમના જીવનો પર જોખમ હોવાની ચેતવણી અપાઇ છે. પોલીસે જણાવ્યું છે કે તેમના પર રહેલા ભયને ભારત સરકારના એજન્ટો દ્વારા અમેરિકા અને કેનેડામાં કથિત હત્યાની યોજનાઓ સાથે સાંકળી શકાય.

બ્રિટનના શિખ આગેવાનોએ ચેતવણી આપી છે કે ભારત સરકાર ડાયસ્પોરામાં પ્રવર્તતા વિરોધ પર કાર્યવાહી કરી રહી છે અને ખાલિસ્તાનની માગ કરનારા અલગતાવાદી શિખોને શાંત કરી દેવા માગે છે. ઓસ્માન નોટિસો જારી કરાઇ તે દર્શાવે છે કે તણાવ કેટલો વ્યાપક છે.

ઓસ્માન નોટિસ મેળવનાર એક શિખે જણાવ્યું હતું કે, હું માનુ છું કે મને વેસ્ટ મિડલેન્ડ્સના સમુદાયમાં રહેલા કેટલાક ધાર્મિક કટ્ટરવાદીઓ તરફથી જોખમ છે. હું મુક્ત રીતે મારા વિચાર વ્યક્ત કરતો હોવાથી મને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter