ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે છેલ્લી ઘડીનાં પ્રયાસઃ યુકેની ટીમ ભારત રવાના

લેબર પાર્ટી તરફથી ભારતને વધુ સોદાકીય લાભ મળવાના સંકેતો

Tuesday 12th March 2024 05:42 EDT
 

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર યુકેમાં લેબર સરકાર માટે સજ્જ થઈ રહી છે તેવા અહેવાલો મધ્યે ભારતમાં ચૂંટણી પહેલા જ મલ્ટિબિલિયન પાઉન્ડના મુક્ત વેપારસોદા (FTA) પર મત્તુ મારી લેવાના છેલ્લી ઘડીના પ્રયાસમાં યુકેના નેગોશિએટર્સ ભારત પહોંચી ગયા છે. સીનિયર સિવિલ સર્વન્ટના વડપણ હેઠળની ટીમને ગુડ્ઝ અને સર્વિસીસ પ્રકરણનો વિવાદ સુલઝાવી દેવાની સૂચના પણ આપી દેવાઈ હોવાનું કહેવાય છે. વેપારસોદામાં કાંટાળા મુદ્દાઓમાં આ્ર પ્રકરણ મુખ્ય છે.

યુકે સરકારના અધિકારીએ જણાવ્યા મુજબ ભારતમાં ચૂંટણીપ્રચારના કારણે વાટાઘાટો પર વિરામ પડે તે પહેલા FTA હસ્તગત કરી લેવાનો બ્રિટિશ ડેલિગેશન આખરી પ્રયાસ કરશે. ભારત તરફથી વાટાઘાટકારોને જણાવી દેવાયું છે કે વિઝા અને સોશિયલ સિક્યોરિટી બાબતે લેબર પાર્ટી તરફથી વધુ મળે તેવા સંકેતો પાઠવાયા છે. યુકેમાં લેબર પાર્ટીની સરકાર રચાવાના ઉજળા સંજોગો જણાય છે ત્યારે કેર સ્ટાર્મર સરકાર પાસેથી વધુ સારો સોદાકીય લાભ મળશે તેવી આશા સાથે ભારત યુકેની સામાન્ય ચૂંટણી પછી વાટાઘાટો આગળ વધારશે તેવા સંકેતોથી ટોરી સરકારમાં ચિંતા સર્જાઈ છે. ગયા મહિને લેબર પાર્ટીના શેડો બિઝનેસ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સની ભારત મુલાકાતમાં વેપારપ્રધાન પિયુષ ગોયેલ સાથે મીટિંગમાં આ મુદ્દો ચર્ચાયો હોવાનું કહેવાય છે. અગાઉ, 1.4 બિલિયન લોકોની ઝડપથી વધતી ઈકોનોમીનો લાભ લેવા પૂર્વ વડા પ્રધાનો બોરિસ જ્હોન્સન અને લિઝ ટ્રસે પણ બ્રેક્ઝિટ પછી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાના પ્રયાસો કર્યા હતા.

સૂચિત સોદામાં વિઝા અને સોશિયલ સિક્યોરિટી રાજકીય સંવેદનશીલ મુદ્દાઓમાં છે. ભારત ભારતીય કામદારો માટે વધુ વિઝા મેળવવા ઈચ્છે છે તેમજ યુકેમાં કામ કરવા દરમિયાન તેમણે સોશિયલ સિક્યોરિટી પેમેન્ટ્સ કર્યા હોય તે પરત મળે તેવી જોગવાઈનો આગ્રહ ધરાવે છે. કન્ઝર્વેટિવ સાંસદો યુકેમાં નેટ માઈગ્રેશન બાબતે ભારે ચિંતિત હોવાથી સુનાક સરકાર માટે વિઝાનો મુદ્દો પેચીદો છે. બીજી તરફ, બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોક ભારત સાથે સોદા બાબતે નિરાશાવાદી બની રહ્યા છે અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનું વધુ સરળ રહેશે તેમ માને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter