લંડનઃ દક્ષિણ-પૂર્વ લંડનના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંના એક એવા સેન્ટ માર્ગારેટ્સ ગ્રોવ સ્થિત શ્રી કચ્છી સત્સંગ સ્વામિનારાયણ મંદિર અને ગ્રીનવિચ કાઉન્સિલ વચ્ચે પાર્કિંગ પરમિટ દાખલ કરવાની યોજનાને લઈને વિવાદ ઊભો થયો છે. મંદિર સંચાલકોના જણાવ્યા અનુસાર, નવા પાર્કિંગ નિયમોના કારણે સ્વયંસેવકો, પરિવારજનો અને વૃદ્ધ દર્શનાર્થીઓની હાજરી પર વિપરિત અસર પડી શકે છે. મંદિર પરિવારે ચેતવણી આપી છે કે છેલ્લા ચાર દાયકાથી કાર્યરત આ સામાજિક અને ધાર્મિક કેન્દ્રને આ નિર્ણયથી મોટું નુકસાન થઈ શકે છે.
કાઉન્સિલના સસ્ટેનેબલ સ્ટ્રીટ્સ પ્રોગ્રામ હેઠળ, સેન્ટ માર્ગારેટ્સ ગ્રોવ ખાતે હાલમાં ઉપલબ્ધ મફત પાર્કિંગના સ્થાને પરમિટ-નિયંત્રિત ઝોન લાગુ કરવામાં આવશે, જે સવારે 8.30થી સાંજે 6.30 વાગ્યા સુધી સપ્તાહના સાતેય દિવસ અમલી રહેશે.
મંદિર સંચાલકોએ આ ફેરફારો સામે 800થી વધુ સહીઓ ધરાવતી એક પિટિશન સુપ્રત કરી છે. તેમની માગ છે કે આ નિયંત્રણો માત્ર સોમવારથી શુક્રવાર દરમિયાન જ અમલી બનાવવામાં આવે જેથી શનિ-રવિમાં આવતા દર્શનાર્થીઓને મુશ્કેલી ન પડે.
મંદિરના પ્રતિનિધિ દિનેશ હિરાણીના જણાવ્યા મુજબ, આ મંદિર છેલ્લા 40 વર્ષથી નિઃસ્વાર્થ સેવા આપી રહ્યું છે. જે લોકો પોતાનો કિંમતી સમય આપી રહ્યા છે તેમના માટે મુશ્કેલીઓ ઊભી કરવાથી આ વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બનશે.


