ફ્રોગમોર કોટેજનું રીનોવેશનઃ કરદાતાના £૨.૪ મિલિયન ખર્ચાયા

Wednesday 03rd July 2019 01:59 EDT
 
 

 લંડનઃ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ અને તેમના પ્રથમ પુત્ર આર્ચીના નિવાસસ્થાન બનેલા ફ્રોગમોર કોટેજના રીનોવેશન પાછળ કરદાતાના £૨.૪ મિલિયન ખર્ચાયા છે. આ ખર્ચ ઓછો હોય તેમ શાહી દંપતીએ તેમના પ્રથમ સંતાન આર્ચી માટે ફ્રોગમોર કોટેજમાં ૫૦૦૦ પાઉન્ડના ખર્ચે શુદ્ધ કોપર-તાંબાનું બાથટબ પણ બનાવડાવ્યું છે. બ્રિટિશ નાગરિકોએ આવી ફિજૂલખર્ચીની ભારે ટીકા કરી છે. પ્રિન્સ હેરી અને પત્ની મેગન કેન્સિંગ્ટન પેલેસ છોડી નવા મહેલમાં રહેવા ગયાં છે તે વિન્ડસર એસ્ટેટના ૧૯મી સદીના કોટેજમાં નવી સજાવટ પાછળ બ્રિટિશ કરદાતાઓના ૨૪ લાખ પાઉન્ડ ખર્ચાયા છે. નવી સજાવટના ૨.૪ મિલિયન પાઉન્ડના ખર્ચ ઉપરાંત, કોટેજમાં સિક્યુરિટી માટે વધુ ૭૫૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરાઈ રહ્યો છે. ફ્રોગમોર કોટેજની રક્ષા માટે મેટ પોલીસ અને થેમ્સ વેલી ફોર્સના ૨૦થી વધુ ઓફિસરની જરૂર પડશે.

શાહી પરિવારના ખર્ચના છેલ્લા આંકડા અનુસાર એસ્ટેટની પાંચ પ્રોપર્ટીને એક નિવાસમાં ફેરવવા ભારે તોડફોડ અને નવી સજાવટ પણ થઈ છે. આર્ચી માટે નવી નર્સરી, વૈભવી કિચન અને બાથરુમ ઉપરાંત, અન્ય શાહી મહેમાનો માટે અલાયદા બેડરુમ્સ પણ બનાવાયા છે. વૂડન સીલિંગ્સ, નવા ઈલેક્ટ્રિકલ સબસ્ટેશન, ગેસ અને પાણી માટે નવી વ્યવસ્થાના કાર્યમાં છ મહિના પછી પણ કેટલાક વિસ્તારમાં સમારકામ બાકી છે.

ક્વીન વિકટોરિયાએ તેમના વિશ્વાસુ ભારતીય સેવક અબ્દુલ કરીમને આ કોટેજ ભેટમાં આપી હતી. તેમના સબંધો પર ૨૦૧૭માં ‘વિકટોરિયા એન્ડ અબ્દુલ : એક્સટ્રા ઓર્ડિનરી ટ્રૂ સ્ટોરી ઓફ ક્વિન્સ કલોઝેસ્ટ કોન્ફિડેન્ટ’ ફિલ્મ પણ બની હતી. એક સમયે તેમના અંતરંગ સબંધોની ચર્ચા પણ થતી હતી. ક્વીન એલિઝાબેથે ૨૦૧૮માં નવપરિણીત યુગલને આ મહેલની ભેટ આપી હતી. રાણીના સત્તાવાર મહેલ વિન્ડસર કેસેલ પાસે શાંત વાતાવરણમાં પાંચ એકરમાં પથરાયેલા મહેલને એક નિવાસમાં ફેરવવા સોવેરિન ગ્રાન્ટ દ્વારા ખર્ચ ભોગવવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter