લંડનઃ બ્રિટનમાં હેલિકોપ્ટરની જેમ ઊભી ઉડાન ભરી શકે તેવી ભવિષ્યની એર ટેક્સીઓ બનાવવા માટે દેશનું સૌપ્રથમ વિશેષ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. બ્રિસ્ટોલ સ્થિત કંપની વર્ટિકલ એરોસ્પેસ દ્વારા ગ્લુસ્ટરશાયરના કેમ્બલ નજીક આવેલા કોટ્સવોલ્ડ એરપોર્ટ પર નવા એરક્રાફ્ટ એસેમ્બલી સેન્ટરની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ આ પહેલને એક પેઢીમાં એક જ વાર સાંપડતી સુવર્ણ તક તરીકે સરખાવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, હાલમાં અહીં વિકસાવવામાં આવી રહેલા અને પરીક્ષણ હેઠળના વાલો મોડેલના વિમાનો સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક છે. આ ચાર મુસાફરોની ક્ષમતા ધરાવતા એરક્રાફ્ટ શૂન્ય કાર્બન ઉત્સર્જન સાથે 160 કિલોમીટર સુધીની ઉડાન ભરી શકે છે. મિનિસ્ટર બ્લેર મેકડુગલે જણાવ્યુ હતું કે આ સુવિધા બ્રિટિશ રિસર્ચને ઉત્પાદનમાં રૂપાંતરિત કરવામાં મદદ કરશે.

