લંડનઃ ફ્લાઇટમાં વિલંબ માટે લંડનનું ગેટવિક સૌથી બદતર એરપોર્ટ છે. આ માટે એર ટ્રાફિક કન્ટ્રોલની સમસ્યાઓને જવાબદાર ગણાવવામાં આવી છે. બ્રિટનના બીજા ક્રમના સૌથી મોટા એરપોર્ટ પર વર્ષ 2024માં ફ્લાઇટ વિલંબિત થવાનો સરેરાશ સમય 23 મિનિટ કરતાં વધુ રહ્યો હતો. સતત બીજા વર્ષે ગેટવિક એરપોર્ટ ફ્લાઇટમાં વિલંબ માટે સૌથી બદતર એરપોર્ટ બન્યું છે. બર્મિંગહામ એરપોર્ટ પર ફ્લાઇટ વિલંબિત થવાનો સરેરાશ સમય 21 મિનિટ અને માન્ચેસ્ટર એરપોર્ટ ખાતે સરેરાશ 20 મિનિટ રહ્યો હતો.
જોકે ગેટવિકનો 2024નો રેકોર્ડ થોડો સુધર્યો હતો. વર્ષ 2023માં ફ્લાઇટમાં વિલંબ થવાનો સરેરાશ સમય 27 મિનિટ રહ્યો હતો. સમગ્ર યુરોપમાં એટીસીની સમસ્યાઓના કારણે ફ્લાઇટમાં વિલંબ થવાની સમસ્યામાં વધારો થયો છે.