લંડનઃ બ્રેન્ટના બિઝનેસમેન અલી જમિલ મોહમ્મદને ખુલ્લામાં કચરાના નિકાલ માટે 50,000 કરતાં વધુ પાઉન્ડનો દંડ ફટકારાયો છે. કિલબર્ન હાઇ રોડ પર આવેલી રાન્યા ફૂડ સેન્ટર અને રાન્યા ફ્રેશ ફિશ લિમિટેડના ડિરેક્ટર અલી જમિલ મોહમ્મદે કોર્ટમાં કબૂલાત કરી હતી કે તેના કર્મચારીઓ દ્વારા વધેલાં માંસ અને માછલીનો ખુલ્લામાં નિકાલ કરાયો હતો. કર્મચારીઓ દ્વારા સડક પર અને ફ્લેટરૂફ પર ખુલ્લામાં કચરાનો નિકાલ કરાતો હતો અને તે કેમેરાની આંખે ઝડપાઇ ગયું હતું. કાઉન્સિલે જણાવ્યું હતું કે, ડિરેક્ટરને કરાયેલો 53,350 પાઉન્ડનો દંડ ખુલ્લામાં કચરાનો નિકાલ કરતા બિઝનેસ અને વ્યક્તિઓ માટે આકરી ચેતવણી સમાન છે. ખુલ્લામાં કચરાના નિકાલને કારણે બ્રેન્ટ કાઉન્સિલને વર્ષે 1.5 મિલિયન પાઉન્ડનો ખર્ચ વહન કરવો પડે છે. કાઉન્સિલે દાવો કર્યો છે કે સમસ્યાના ઉકેલ માટે આકરાં પગલાંની શરૂઆત કરાતાં આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો થયો છે.