લંડનઃ વિશ્વના સૌથી જૂના ભારતીય રેસ્ટોરન્ટ પૈકીના એક વીરાસ્વામીએ સોમવારે 100 વર્ષ પૂરા કર્યાં હતાં. માર્ચ 1926માં લંડનની રિજન્ટ સ્ટ્રીટ ખાતેના વિક્ટરી હાઉસમાં તેનો પ્રારંભ કરાયો હતો. જોકે હવે આ ઐતિહાસિક રેસ્ટોરન્ટ બંધ થવાની નોબત આવી છે. વીરાસ્વામી રેસ્ટોરન્ટના ઐતિહાસિક મહેમાનોમાં મહાત્મા ગાંધી અને ચાર્લી ચેપ્લિન સહિત બ્રિટિશ રાજવી પરિવારના સંખ્યાબંધ સભ્યો રહ્યાં છે.
જોકે વિક્ટરી હાઉસના માલિક ક્રાઉન એસ્ટેટ દ્વારા રેસ્ટોરન્ટની લીઝ રિન્યૂ કરાઇ નથી તેથી આ ઐતિહાસિક ઉજવણી પર ગ્રહણ લાગી ગયું છે. હાલમાં લોકો આ રેસ્ટોરન્ટને બંધ થતી અટકાવવા સેવ વીરાસ્વામી અભિયાન પણ ચલાવી રહ્યાં છે.
રેસ્ટોરન્ટના સહમાલિકો રણજિત મેથરાની, નમિતા અને કેમિલા પંજાબીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, જો વીરાસ્વામી બીજા વિશ્વયુદ્ધના ભયાનક બોમ્બમારામાંથી બચી શકી હતી તો તે આ મુશ્કેલીમાંથી પણ બહાર આવી જશે.
તેમણે જણાવ્યું હતું કે, આજના વિભાજિત થઇ રહેલા વિશ્વમાં વીરાસ્વામી દીવાદાંડી સમાન છે. એક એવું સ્થળ જ્યાં કોઇપણ દેશ, સમાજ અને તબકાના લોકો પરસ્પર સમજણ અને આનંદ સાથે મળી શકે છે, ભોજન કરે છે.

