લંડનઃ સ્વર્ગસ્થ પ્રિન્સેસ લેડી ડાયનાના ભાઇ ચાર્લ્સ સ્પેન્સર દ્વારા લિખિત પુસ્તક સ્વાન સોંગ્સ ડાયના માય સિસ્ટરમાં કરાયેલા દાવાઓ અંગે સ્પેન્સર પરિવાર અને રાજવી પરિવાર સામસામે આવી ગયા હતા. જેના જવાબમાં પેલેસ દ્વારા જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં સાવચેતીપૂર્વકની ભાષામાં પોતાની ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. બકિંગહામ પેલેસે આ દાવાઓનો વિરોધ કરતા જણાવ્યુ છે કે, લાગણીઓ અને શોકની અસરના કારણે વ્યક્તિગત સ્મૃતિઓ અને નિર્ણયો પર પ્રભાવ પડી શકે છે. આ નવો વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે વિલિયમ અને હેરી બંને બાળપણના તે દુઃખદ અનુભવોમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે 30 વર્ષ જૂના વિવાદોને ફરી સપાટી પર લાવવાના હેતુ સામે અને રાજપરિવારની સ્થિરતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
સ્પેન્સરે રાજમહેલ દ્વારા જારી કરાયેલા નિવેદન પર વળતો પ્રહાર કરતા દલીલ કરી હતી કે આ નિવેદન કોઈ રીતે સ્વીકાર્ય નથી. તેમણે એ વાતને રદિયો આપવાને બદલે માત્ર ગોળ-ગોળ વાત કરી છે અને કહ્યું છે કે દરેકની યાદો અલગ હોઈ શકે છે. ચાર્લ્સ આ દાવાઓથી શું ખરેખર ક્રોધિત છે? કે પછી તેઓ શરમ અનુભવી રહ્યાં છે?
અર્લ સ્પેન્સરે દાવો કર્યો છે કે તેમના નવા સંસ્મરણોમાં કરાયેલા આક્ષેપોને નકારી કાઢવાના બકિંગહામ પેલેસના પ્રયાસો રાજાની શરમ અને અસ્વસ્થતાનું પરિણામ છે. તેમણે ભારપૂર્વક કહ્યું: હું સત્ય કહી રહ્યો છું.


