લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયને બ્રેક્ઝિટની રાજકીય અરાજકતામાં ઘસેડાતાં હોવાનાં આક્ષેપો વચ્ચે બકિંગહામ પેલેસે એક સપ્તાહ અગાઉ જ બોરિસ જ્હોન્સનની ‘ક્વીન્સ સ્પીચ’ની નકલ માગી હતી. આ વડા પ્રધાન તરફ ઘટેલો વિશ્વાસ દર્શાવે છે. પેલેસ દ્વારા ‘ક્વીન્સ સ્પીચ’ની નકલ વહેલી માગવામાં આવતા સરકારી વિભાગોમાં અફરાતફરી મચી ગઈ હતી કારણકે ઘણી બાબતો તૈયાર કરાઈ ન હતી.
પાર્લામેન્ટ સમક્ષ ક્વીનનું આ ૬૫મું સંબોધન છે. સંબોધનમાં છેલ્લી ઘડીએ કરાતાં ફેરફારને અટકાવવાનો આ પ્રયાસ હોવાનું મનાય છે. આ સંબોધનમાં મુખ્યત્વે વીથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલ સહિત ૨૨ ખરડાને રુપરેખા અપાય તેવી ધારણા છે. જો વડા પ્રધાન જ્હોન્સન ઈયુ સાથે બ્રેક્ઝિટ સમજૂતી કરી લેશે તો તેના પર મતદાન થઈ શકે છે. વડા પ્રધાને ઓગસ્ટમાં પાંચ સપ્તાહ માટે પાર્લામેન્ટ સસ્પેન્ડ કરવા ક્વીનને જણાવ્યું હતું. ક્વીને સરકારની વિનંતીને માન્ય રાખી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ સસ્પેન્શનને ગેરકાયદે ઠરાવ્યું હતું.

