લંડન
સરેના રેડહિલ ખાતે રહેતા 49 વર્ષીય અસદ ભટ્ટીને આતંકવાદના આરોપસર દોષી ઠેરવવામાં આવ્યો છે. અસદ ભટ્ટીના આતંકવાદી કારનામાઓનો પર્દાફાશ તેના બગડી ગયેલા લેપટોપ પરથી થયો હતો. અસદ તેનું લેપટોપ રિપેરિંગ માટે લઇ ગયો હતો અને ત્યાંથી પોલીસને અસદ દ્વારા શરૂ કરવામાં આવેલી બોમ્બ બનાવવાની ફેક્ટરીની માહિતી મળી હતી. અસદે ઇસ્લામ અને અન્ય કોન્સ્પિરસી થિયરી દ્વારા પોતાનો અલગ મેનિફેસ્ટો તૈયાર કર્યો હતો.
લેપટોપ બગડી જવાના કારણે અસદ તેના રિપેરિંગ માટે કેટરહામ ખાતેના કોમ્પ્યુટર સોલ્યુશન સેન્ટરમાં લઇ ગયો હતો. તેમાંથી તેણે તૈયાર કરેલી બિલિવર્સ હેન્ડબુક અને બોમ્બ મેન્યુઅલ્સ મળી આવ્યાં હતાં. અસદે તેના લેપટોપમાં હોમમેડ બોમ્બ બનાવવાની અનેક માહિતીનો સંગ્રહ કર્યો હતો.
અસદે સ્મોલફિલ્ડમાં એક જગ્યા ભાડા પર રખી હતી જ્યાંથી પોલીસને રસાયણો, સરકિટ, હોમ મેડ ડિટોનેટર્સ, પાઇપ બોમ્બ, ગન પાવડર અને નાઇટ્રોગ્લિસરિન મળી આવ્યાં હતાં. લેપટોપની મરામત કરનાર વ્યક્તિના ધ્યાન પર બોમ્બ અંગેની માહિતી આવતાં તેણે પોલીસને જાણ કરી હતી. અદાલતે અસદને દોષી ઠેરવ્યો છે.


