લંડનઃ ગયા વર્ષે રોયલ મિન્ટમાં ૧ પાઉન્ડના મૂલ્યના જૂના ૨૪ મિલિયન સિક્કા પરત જમા થયા હતા. લોકો ગયા ઓક્ટોબર ૨૦૧૭થી ખરીદીમાં તેનો ઉપયોગ કરી શકે તેમ ન હોવા છતાં હજુ આવા ૧૪૫ મિલિયન સિક્કા પરત જમા થયા નથી. રોયલ મિન્ટના જણાવ્યા મુજબ ૧ પાઉન્ડના આ સિક્કા હજુ પણ હાઈ સ્ટ્રીટ પરની મોટાભાગની બેંકોમાં ખાતામાં જમા કરાવી શકાશે.
નકલ અટકાવવા માટે રોયલ મિન્ટ દ્વારા એક પાઉન્ડના મૂલ્યના જૂના સિક્કાના સ્થાને ૧૨ પાસા ધરાવતા નવા ૧.૫ બિલિયન સિક્કા ૨૮ માર્ચ, ૨૦૧૭ના રોજ જારી કરવામાં આવ્યા હતા. અગાઉ એક પાઉન્ડની નોટના સ્થાને ૧૯૮૩માં ગોળ વજનદાર અને જાડા સિક્કા જારી કરાયા હતા. ચલણમાં ફરતા અગાઉના ગોળ સિક્કાના આશરે દસમા ભાગના સિક્કા બનાવટી હોવાનું નિષ્ણાતોનું માનવું હતું.
રોયલ મિન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે જૂના સિક્કાને ચલણમાંથી દૂર કરાયા પછી અમારા કેમ્પેઈન દ્વારા લોકોને તે સિક્કા પરત કરવા પ્રોત્સાહન સાંપડ્યુ હતું. આ સિક્કાઓ પૈકી થોડા હજુ પરત જમા થયા નથી. જે ગ્રાહકો યુકેમાં મોટાભાગની હાઈ સ્ટ્રીટ બેંકોમાં તેમના ખાતામાં જમા કરાવી શકશે.


