બજેટ લીક વિવાદઃ ઓબીઆરના વડા રિચર્ડ હ્યુજિસનું રાજીનામું

ચાન્સેલરની બજેટ સ્પીચ લીક થતાં હોબાળો મચ્યો,ઓબીઆરે ટેકનિકલ એરર ગણાવી માફી માગી

Tuesday 02nd December 2025 09:07 EST
 
 

લંડનઃ હાઉસ ઓફ કોમન્સમાં ચાન્સેલર રેચલ રીવ્ઝ ઓટમ બજેટ રજૂ કરે તે પહેલાં જ બજેટ લીક થઇ જતાં ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીના ચેરમેન રિચર્ડ હ્યુજિસને રાજીનામુ આપવાની ફરજ પડી છે. સોમવારે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો કે રીવ્ઝ હાઉસ ઓફ કોમન્સમાં બજેટ રજૂ કરે તેના એક કલાક પહેલાં જ ઇકોનોમિક અને ફિસ્કલ આઉટલૂક ભૂલથી જારી કરી દેવાયાં હતાં. રિપોર્ટના પગલે હ્યુજિસને રાજીનામુ આપવાની ફરજ પડી હતી.

તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ઓબીઆરના નેતૃત્વે સંવેદનશીલ આગાહીઓ ધરાવતા રિપોર્ટ જારી કરવામાં ધરમૂળથી બદલાવ કરવા પડશે. રીવ્ઝને પાઠવેલા પત્રમાં હ્રુજિસે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે ઓબીઆર ફરી એકવાર વિશ્વાસ હાંસલ કરી લેશે. આ ખેદજનક બનાવમાંથી ઓબીઆર ઝડપથી આગળ વધી શકે તે માટે મારે મારી ભુમિકા ભજવવાની છે.

ચાન્સેલર રેચલ રીવ્ઝ 26 નવેમ્બર બુધવારના રોજ ઓટમ બજેટ રજૂ કરે તે પહેલાં જ તેમની બજેટ સ્પીચ અકસ્માતે પબ્લિશ થઇ જતાં હોબાળો મચ્યો હતો. શેડો બિઝનેસ સેક્રેટરી એન્ડ્રુ ગ્રિફિથે જણાવ્યું હતું કે, બજેટ પ્રક્રિયા ફિયાસ્કો બની ગઇ છે. ઓબીઆરનો રિપોર્ટ લીક થવો તે અંતિમ શરમજનક બાબત છે.

ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીએ અકસ્માતે બજેટ સ્પીચ લીક થવાને ટેકનિકલ એરર ગણાવી હતી. એક નિવેદનમાં ઓબીઆરે જણાવ્યું હતું કે, અમારા ઇકોનોમિક અને ફિસ્કલ ડોક્યુમેન્ટની લિન્ક અમારી વેબસાઇટ પર આજે સવારે ઘણી વહેલી મૂકાઇ ગઇ હતી પરંતુ હવે અમે તેને હટાવી લીધી છે. અમે આ ટેકનિકલ એરરને માટે માફી માગીએ છીએ. આ કેવી રીતે બન્યું તેની તપાસ અમે શરૂ કરી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter