બજેટમાં કેરર્સ એલાઉન્સના અન્યાયી નિયમનો અંત, સંખ્યાબંધ અનપેઇડ કેરવર્કર્સને રાહત

Tuesday 03rd November 2026 10:06 EST
 
 

લંડનઃ સ્વજનો કે અસહાય લોકોની મફત સેવા-સંભાળ કરતા લોકો (Unpaid Carers) માટે ભારે મુશ્કેલી ઊભી કરતો અને હજારો પાઉન્ડનો દંડ ફટકારતો વિવાદાસ્પદ નિયમ આખરે રદ થવા જઈ રહ્યો છે. ચાન્સેલર જોન હિલીએ બુધવારના બજેટમાં કેરર્સ એલાઉન્સ માટે એક નવી ડિજિટલ ટેપર સિસ્ટમની જાહેરાત કરી હતી. આ નિર્ણય સાથે જ યુકેની કલ્યાણકારી સહાય પ્રણાલીની સૌથી આકરી અને અન્યાયી ગણાતી વહીવટી નીતિઓમાંથી એકનો અંત આવ્યો છે.

જૂના નિયમ અનુસાર, જો કોઈ કેર વર્કરની સાપ્તાહિક આવક નક્કી કરેલી 204 પાઉન્ડની મર્યાદા કરતાં એક પેન્સ પણ વધે, તો તેમનું આખા અઠવાડિયાનું 86.45 પાઉન્ડનું ભથ્થું જપ્ત થઈ જતું હતું. ઉદાહરણ તરીકે, આખા વર્ષ દરમિયાન મર્યાદા કરતાં માત્ર 52 પેન્સ વધુ કમાનાર વ્યક્તિએ 4,495.40 પાઉન્ડની રકમ ચૂકવવી પડતી હતી.

અગાઉ વર્ક એન્ડ પેન્શન્સ વિભાગને આ બાબતની જાણ હોવા છતાં તેઓ લાભાર્થીઓને ચેતવણી આપવાને બદલે આવકમાં થયેલા ફેરફારની જાણ કરવાની જવાબદારી પોતે  કેર વર્કર્સ પર જ છોડી દેતા હતા. આ કારણે હજારો લોકો વર્ષો સુધી આ નિયમભંગથી અજાણ રહ્યા હતા અને પરિણામે તેમના પર 2,000 થી લઈને 20,000 પાઉન્ડ સુધીના દેવાનો બોજ વધી ગયો હતો.

નવા રજૂ થનારા ટેપર સિસ્ટમના નિયમો અનુસાર, હવે કોઈપણ વ્યક્તિ નક્કી કરેલી મર્યાદાથી વધુ કમાણી કરશે તો વધારાની કમાણીના પ્રતિ 1 પાઉન્ડ પર માત્ર 1 પાઉન્ડ ભથ્થું ઓછું થશે. આ ફેરફારથી વધુ કલાક કામ કરનારા કે પગારવધારો મેળવનારા કાળજી વાહકોને અચાનક મોટું નાણાકીય નુકસાન વેઠવું નહીં પડે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter