લંડનઃ બ્રિટનની રાજધાની લંડનમાં બેરોજગારીનું પ્રમાણ સમગ્ર દેશમાં સૌથી બદતર છે. લંડનના 6.1 પુખ્ત વ્યક્તિ કોઇ પ્રકારનું કામ કરતાં નથી. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર યુકેમાં બેરોજગારીનો રાષ્ટ્રીય દર 4.4 ટકા છે જેની સામે લંડનનો બેરોજગારીનો દર 6.1 ટકા છે.
બિઝનેસ એક્સપર્ટ્સ કહે છે કે લંડનની કંપનીઓએ આર્થિક કટોકટીના કારણે નવા કર્મચારીઓની ભરતી બંધ કરી દીધી છે. એમ્પોલયર નેશનલ ઇન્શ્યુરન્સમાં વધારાએ સ્થિતિ વધુ વણસાવી છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2024માં 16થી 64ની વયજૂથના 3,15,000 લંડનવાસીઓ કોઇ પ્રકારનો રોજગાર ધરાવતા નહોતા.
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના પ્રોફેસર ટોની ટ્રાવર્સ કહે છે કે લંડન બેરોજગારીના આટલા ઊંચા દરને હળવાશથી લઇ શકે નહીં. બાકીના યુકે માટે પણ લંડનની ઇકોનોમી અત્યંત મહત્વની છે તેથી ટ્રેઝરીએ આ ચિંતાઓ પર વિશેષ ધ્યાન આપવું જોઇએ.
જાન્યુઆરી 2025માં 3,54,740 લંડનવાસીઓ બેરોજગારી ભથ્થા માટે દાવો કરી રહ્યાં હતાં જે 2024ની સરખામણીમાં 19 ટકા એટલે કે 56,655નો વધારો દર્શાવે છે. લંડનના ટોટેનહામમાં સૌથી વધુ 9035 બેરોજગાર છે.