બધી ગ્રામર સ્કૂલ્સ બંધ કરવા લેબર પાર્ટીએ કરેલી માગણી

Saturday 01st October 2016 06:52 EDT
 
 

લંડનઃ લેબર પાર્ટીની લિવરપૂલ કોન્ફરન્સમાં ડેલિગેટ્સે તબક્કાવાર તમામ ગ્રામર સ્કૂલ્સ બંધ કરવાના ઠરાવને પસાર કર્યો છે. સોશ્યાલિસ્ટ એજ્યુકેશન સોસાયટી નામના ગ્રૂપ દ્વારા રજૂ કરાયેલા ઠરાવની તરફેણ સાથે પાર્ટીએ ઈંગ્લેન્ડમાં સિલેક્ટિવ સિસ્ટ્મ્સની નાબૂદી માટે માગણી કરી છે. ડેલિગેટ્સે ઈંગ્લેન્ડમાં સંપૂર્ણ કોમ્પ્રીહેન્સિવ સિસ્ટમ લાગુ પાડવાની તરફેણ કરી હતી. નવી ગ્રામર સ્કૂલ્સ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની વડા પ્રધાન થેરેસા મેની યોજનાનો લેબર પાર્ટી વિરોધ કરે છે.

સોશ્યાલિસ્ટ એજ્યુકેશનલ એસોસિયેશનના સારાહ વિલિયમ્સે ઠરાવ રજૂ કરતાં કહ્યું હતું કે,‘ ગરીબ બાળકોને ગ્રામર સ્કૂલમાં સ્થાનની જરુર નથી, તેમને તો ગરીબ ન રહેવું પડે તેની જરુર છે.’

શેડો એજ્યુકેશન સેક્રેટરી એન્જેલા રેનેરે કહ્યું હતું કે તેઓ આખરી શ્વાસ સુધી કોમન્સમાં સિલેક્શન પદ્ધતિનો વિરોધ કરશે. ટોની બ્લેરે એજ્યુકેશન, એજ્યુકેશન અને એજ્યુકેશનની વાત કરી હતી જ્યારે, થેરેસા મે સેગ્રેગેશન, સેગ્રેગેશન અને સેગ્રેગેશન (અલગાવ)ની જ વાત કરે છે. ગ્રામર સ્કૂલના જ વિદ્યાર્થી અને સફળ વકીલ માર્ટિન બેઈલીએ પણ નવી ગ્રામર સ્કૂલ્સની જરૂર ન હોવાનું જણાવ્યું હતું.

ટોરી પાર્ટીના સાંસદ એન્ડ્ર્યુ બ્રિજેને લેબર રાજકારણીઓની ટીકા કરી જણાવ્યું હતું કે લેબર પાર્ટીના રાજકારણીઓએ આ સિસ્ટમનો લાભ મેળવ્યો છે. ખુદ જેરેમી કોર્બીન શ્રોપશાયરની આદમ્સ ગ્રામર સ્કૂલમાં ગયા હતા અને ડાયના એબોટના પુત્રો સિલેક્ટિવ સિટી ઓફ લંડન સ્કૂલમાં જ છે. તેમણે કહ્યું હતું કે હું કોમ્પ્રીહેન્સિવ સ્કૂલનો વિદ્યાર્થી છું. જોકે, લેબર પાર્ટીનો ઉચ્ચસ્તરીય નેતાગણ ગ્રામર સ્કૂલ અને પ્રાઈવેટ અભ્યાસ કરનારી વ્યક્તિઓનો બનેલો છે. આ તો પગથિયાં ચડી સીડી ખેંચી લેવાં જેવું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter