બનાવટી ઓનલાઈન રિવ્યુઝ અને લોભામણાં સબસ્ક્રિપ્શન્સ ગેરકાયદે

Tuesday 03rd May 2022 16:42 EDT
 

લંડનઃ યુકેનો સરેરાશ પરિવાર ઓનલાઈન રિવ્યુઝ પાછળ દર વર્ષે આશરે 900 પાઉન્ડનો ખર્ચ કરે છે તેમજ 60 પાઉન્ડ બિનજરૂરી સબસ્ક્રિપ્શનમાં ગુમાવે છે. હવે સરકાર બનાવટી ઓનલાઈન રિવ્યુઝ અને ફસામણી કરતા સબસ્ક્રિપ્શન્સને ગેરકાયદે ઠરાવતા કાયદાનો કોરડો વીંઝી રહી છે જેનાથી ગ્રાહકો આ માયાજાળમાંથી બચી શકશે.

નવા કાયદા હેઠળ કોઈને બનાવટી સમીક્ષા લખવા કે લખાવવા નાણા આપવાનું સ્પષ્ટપણે ગેરકાયદે લેખાશે. ફાઈનાન્સિયલ વોચડોગને આવા બિઝનેસીસને ગ્લોબલ વાર્ષિક ટર્નઓવરના 10 ટકા સુધી તેમજ વ્યક્તિગત કેસમાં 300,000 પાઉન્ડ સુધી દંડ કરવાની તેમજ ગ્રાહકોને વળતર અપાવવાની નવી સત્તા મળશે. કન્ઝ્યુમર્સ માટે બનાવટી સબસ્ક્રિપ્શન્સને નકારવાના સ્પષ્ટ વિકલ્પો મેળવવાનું સરળ બનાવાશે.

નવા નિયમો હેઠળ, ગ્રાહકો સબસ્ક્રિપ્શન્સ કોન્ટ્રાક્ટમાં પ્રવેશ કરે તે પહેલા બિઝનેસીસે સ્પષ્ટ માહિતી પૂરીન પાડવાની રહેશે તેમજ ફ્રી ટ્રાયલ અથવા ઓછી કિંમતની પ્રારંભિક ઓફરનો અંત આવી રહ્યો હોવાની રિમાઈન્ડર પણ આપવી પડશે અને ગ્રાહકો સમયસર, ઓછાં ખર્ચે કોન્ટ્રાક્ટ છોડી શકે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

ક્રિસમસ સેવિંગ્સ ક્લબ જેવી પ્રીપેમેન્ટ સ્કીમ્સ માટે ગ્રાહકોના નાણાને ઈન્સ્યુરન્સ અથવા ટ્રસ્ટ એકાઉન્ટ્સ દ્વારા સુરક્ષિત રાખવાના રહેશે. આ કાયદો શોપર્સ સેવિંગ્સ ક્લબને પણ સલામતી પૂરી પાડશે જ્યાં, ગ્રાહકો માલસામાન અને સર્વિસીસ માટે સમગ્ર વર્ષ દરમિયાન હપ્તામાં ચૂકવણી કરે છે. આ જોગવાઈ અત્યાર સુધી ફાઈનાન્સિયલ સર્વિસીસ કોમ્પેન્શેસન સ્કીમ હેઠળ આવરી લેવાઈ ન હતી. આનો અર્થ એવો છે કે 2006માં ક્રિસમસ સેવિંગ્સ ક્લબ Farepak બંધ થઈ જવાથી હજારો કસ્ટમર્સ તહેવારની ગિફ્ટ્સ માટે ચૂકવણી કરી શક્યા ન હતા તેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય અને કંપની દેવાળું કાઢે તો પણ ગ્રાહકોના નાણા સલામત રહે. ધ કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટી (CMA) ગ્રાહકોને સીધાં જ વળતર અપાવી શકશે અને બિઝનેસીસને પેનલ્ટી લાગુ કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter