લંડનઃ લોકડાઉન દરમિયાન વિદેશ પ્રવાસ કરી શકે તે માટે 800 કરતાં વધુ લોકોના કોવિડ વેક્સિન રેકોર્ડ ઉપજાવી કાઢવા માટે એનએચએસના 3 કર્મચારીને જેલભેગા કરાયા છે. ઇસ્ટ લંડનના સ્ટ્રેટફોર્ડમાં વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટર સ્થિત વેક્સિન સેન્ટરમાં કામ કરતી વખતે 31 વર્ષીય રોકિબુલ ઇસ્લામ, 29 વર્ષીય હકીમ વોલ્ટર્સ અને 27 વર્ષીય મોહમ્મદ એહમદે વેક્સિનના બનાવટી સર્ટિફિકેટ આપીને લોકો પાસેથી 4,12,000 પાઉન્ડ ખંખેરી લીધા હતા. આ ત્રણે બનાવટી વેક્સિન સર્ટિ માટે પ્રતિ વ્યક્તિ 250 પાઉન્ડ વસૂલતા હતા. આ રીતે તેમણે 847 વ્યક્તિ માટે 1648 બનાવટી સર્ટિ તૈયાર કર્યા હતા.
ત્રણેને સજા ફટકારતા જજ સેલી એન હેલ્સે જણાવ્યું હતું કે, તમે એનએચએસ કોમ્પ્યુટર સિસ્ટમને હેક કરી બનાવટી સર્ટિ તૈયાર કરીને આર્થિક લાભ મેળવ્યો છે. પુરાવા દર્શાવે છે કે આ કાવતરામાં તમારા ત્રણ ઉપરાંત પણ વધુ લોકો સામેલ હોવા જોઇએ. તમારા આ કૃત્યથી જનતાને વ્યાપક નુકસાન થયું હશે.
અદાલતે ઇલફોર્ડના મોહમ્મદ એહમદ અને હેકનીના હકીમ વોલ્ટર્સને 4-4 વર્ષ ટાવર હેલ્મેટ્સના રોકિબુલ ઇસ્લામને 1 વર્ષ 7 માસ કેદની સજા ફટકારી હતી.

