લંડનઃ ભારતના પંજાબના લુધિયાણા શહેરના મનપ્રીતને બનાવટી દસ્તાવેજો પર વિઝા હાંસલ કરવાના આરોપસર બે સપ્તાહ જેલમાં રખાયા બાદ દેશનિકાલ કરાયો છે. મનપ્રીત સાથે જલંધર સ્થિત એક એજન્ટ દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરાઇ હતી. તપાસ બાદ લુધિયાણા પોલીસે એજન્ટ સામે કેસ નોંધ્યો છે.
શૌકી નામના એજન્ટે બનાવટી દસ્તાવેજો પર મનપ્રીતને યુકે મોકલ્યો હતો. ઇંગ્લેન્ડમાં વર્ક પરમિટ અપાવવાનું વચન આપી શૌકીએ મનપ્રીતના પરિવાર પાસેથી 10.5 લાખ રૂપિયા વસૂલ્યા હતા. મનપ્રીતના પિતાએ તેમની નિવૃત્તિ બાદ મળેલી રકમમાંથી આ નાણા ચૂકવ્યાં હતાં.
શૌકીએ ઓક્ટોબર 2024માં મનપ્રીતને ઓક્ટોબર 2024માં ઇંગ્લેન્ડ મોકલ્યો હતો. આશ્ચર્યજનક રીતે તેનો ટુરિસ્ટ વિઝા ઇંગ્લેન્ડ પહોંચ્યાના બીજા દિવસે જ પૂરો થઇ ગયો હતો. મનપ્રીતને તેની જાણ નહોતી. એક હોટેલમાં રહેતા મનપ્રીતને બ્રિટિશ સત્તાવાળાએ ઝડપી લીધો હતો અને તેની પાસેથી બનાવટી દસ્તાવેજો જપ્ત કરીને 15 દિવસ જેલમાં મોકલી આપ્યો હતો.

