બનાવટી પાસપોર્ટ્સ, ડીગ્રી સહિત દસ્તાવેજો વેચતી ગેંગને સજા

Wednesday 31st January 2018 06:04 EST
 
 

લંડનઃ બનાવટી બ્રિટિશ પાસપોર્ટ્સ, રેસિડેન્સી પરમિટ અને ડીગ્રી સર્ટિફિકેટ્સ બનાવી ૮૦૦ પાઉન્ડમાં તેનું વેચાણ કરવા બદલ સાત વ્યક્તિની ગેંગને વુલીચ ક્રાઉન કોર્ટે જેલની સજા ફરમાવી હતી. આ ગેંગ ઈમિગ્રેશન અપરાધીઓને યુકેમાં ગેરકાયદે રહેવામાં મદદ કરવા બનાવટી દસ્તાવેજો વેચતી હતી. ગેંગનો સૂત્રધાર સ્ટીવન કાનાવેન્ટીએ અંડરકવર ઓફિસરને બનાવટી દસ્તાવેજો આપતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. કાનાવેન્ટીને ૪૦ મહિના અને બે સપ્તાહ તથા પૂર્વ ફૂટબોલર અબ્દુલ અઝીઝાને ચાર વર્ષ જેલની સજા કરાઈ હતી.

કોવેન્ટ્રીના કાનાવેન્ટીએ અંડરકવર ઓફિસરને દરેકના ૮૦૦ પાઉન્ડના હિસાબે ત્રણ બનાવટી પાસપોર્ટ, ૬૦૦ પાઉન્ડમાં બ્રિટિશ રેસિડેન્સી પરમિટ અને ૨૦૦ પાઉન્ડમાં યુનિવર્સિટી ડીગ્રી સર્ટિફિકેટ વેચ્યા હતા. ઓફિસરને દરેક નવા ગ્રાહક દીઠ ૧૦૦ પાઉન્ડ આપવાની લાલચ પણ કાનાવેન્ટીએ આપી હતી. કાનાવેન્ટી નકલી દસ્તાવેજોના ઓર્ડર, સપ્લાય અને ડિલિવરીનું કામ કરતો હતો જ્યારે વોલવર્થનિવાસી અઝીઝાના ઘરમાં દસ્તાવેજો તૈયાર કરાતા હતા.

ગેંગના અન્ય સભ્ય વોલવર્થના આલ્ફ્રેડ આડેકોયાને ૪૦ મહિના અને બે સપ્તાહ, નનહેડ, લંડનના વિક્ટર એરિયોને ત્રણ વર્ષ, વુલીચના લ્યૂક ન્કાન્ટાને ૧૬ મહિના, નોટિંગહામના પોલ કાનાવેન્ટીને ૯ મહિના, રેડિચ, વર્સેસ્ટરશાયરના માડાલિટ્સો માજાવાને ૬ મહિના જેલની સજા કોર્ટે ફરમાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter