• નિવૃત્તિ પછી પણ હાઉસ ઓફ લોર્ડ્સના ઉપયોગનો અધિકારઃ પાર્લામેન્ટ લંડનમાં શ્રેષ્ઠ ક્લબનું બિરુદ ધરાવે છે. જોકે, લોર્ડસ હાઉસ કમિટીએ નિવૃત્ત લોર્ડસને પણ આ વિશેષાધિકાર આપવા કરેલી દરખાસ્ત સામે વિરોધ જાગ્યો છે. લોર્ડસને નિવૃત્તિ માટે પ્રોત્સાહિત કરવા કમિટીએ ભારે સબસિડી ધરાવતા રેસ્ટોરાં, લાઈબ્રેરી અને પીઅર્સ ગેસ્ટ હાઉસના ઉપયોગના આજીવન ક્લબ અધિકારો આપવા જણાવ્યું છે. નિવૃત્ત લોર્ડસ ચર્ચામાં ભાગ નહિ લઈ શકે, પરંતુ તેમને ઉપલા ગૃહમાં રાજગાદીની સીડીઓ પર બેસવા દેવાશે.
• બેડ પર કબજો જમાવનારા વૃદ્ધ પેશન્ટ્સને હાંકી કાઢવા કાનૂની પગલાંઃ હોસ્પિટલમાં લાંબા સમયથી બેડ પર અડીંગો જમાવીને બેઠેલા વયોવૃદ્ધ પેશન્ટ્સને હાંકી કાઢવા સત્તાવાળા કાનૂની પગલાં લઈ રહ્યા છે. પરિવારો તેમના વૃદ્ધ સગાંઓ ઘેર લઈ જવા જેટલાં સ્વસ્થ હોવાં છતાં તેમને હોસ્પિટલના વોર્ડસમાં મૂકીને જતાં રહે છે. પરિણામે, અન્ય પેશન્ટ્સને સારવાર માટે દાખલ થવાં પથારીનો અભાવ નડે છે. હવે પેશન્ટ્સના પરિવારોને વૃદ્ધ સગાંને કેર હોમમાં સ્થાન અપાવવા સાત દિવસની મહેતલ આપી દેવાઈ છે.
• ત્રાસવાદી સંપર્કો ધરાવતી ત્રણ બ્રિટિશ ચેરિટી સંસ્થા પ્રતિબંધિતઃ યુનાઈટેડ આરબ અમિરાત (યુએઇ)એ લાખો પાઉન્ડની બ્રિટિશ સહાય મેળવતી ચેરિટી સંસ્થા ઈસ્લામિક રીલિફને ત્રાસવાદી સંગઠન ગણાવીને તેના પર પ્રતિબંદ મૂક્યા છે. ઈસ્લામિક રીલિફ સંસ્થાએ ગયા વર્ષે ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના ભંડોળ હેઠળના પ્રોજેક્ટ્સ અંગે ૧.૨૫ મિલિયન પાઉન્ડના કોન્ટ્રાક્ટ્સ મેળવ્યા હતા. આ ઉપરાંત, અમીરાતે મુસ્લિમ એસોસિયેશન ઓફ બ્રિટન અને કોર્ડોબા ફાઉન્ડેશન થિન્ક ટેન્ક પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.
• ઠગ મહિલાને ૪૦ માસની જેલઃ મિત્રો અને પરિચિતો પાસેથી આશરે ૨.૫ મિલિયન પાઉન્ડની ઉચાપત કરનારી હર્ટફોર્ડશાયરની ઠગ મહિલા માર્ગારેટા ક્લાર્કને સેન્ટ અલબાન્સ ક્રાઉન કોર્ટે ૪૦ મહિના કેદની સજા ફટકારી છે. તેણે ઉચાપતના નાણા ડિઝાઈનર વસ્ત્રો ખરીદવામાં અને રજાઓ ગાળવામાં ખર્ચ્યા હતા. તેણે સરેરાશ વાર્ષિક ૬૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ રજાઓ પાછળ કર્યો હતો. સ્પેનમાં પ્રોપર્ટીના વેચાણ અને સજાવટની આકર્ષક યોજના ચલાવતી હોવાના દાવા કરી તેણે લોકોને છેતર્યા હતા.
• ધર્માન્તર કરનારા બ્રિટિશ મુસ્લિમોને ખ્રિસ્તી જૂથની મદદઃ બ્રિટિશ મુસ્લિમો ધર્માન્તર કરીને ક્રિશ્ચિયાનિટીમાં જોડાય ત્યારે તેમને કનડગતથી બચાવવા માટે ખ્રિસ્તી જૂથ ‘સેફ હેવન’ ઓફર કરી રહ્યું છે. ધર્માન્તર કરેલા બ્રિટિશ મુસ્લિમોને કટ્ટરવાદીઓના જંગલી વ્યવહારથી બચાવવા માટે અન્ય શહેરોમાં સ્થાયી થવા આ જૂથ મદદ કરશે. આ જૂથનો દાવો છે કે હજારો પૂર્વ મુસ્લિમોને રક્ષણ માટે સેફ હાઉસીસની મદદ કરાઈ છે અને આગામી ૧૨ મહિનામાં સંખ્યાબંધ મુસ્લિમોને ઈસ્લામ છોડવામાં મદદ કરવાનો તેનો ઈરાદો છે.
• જાતીય હુમલાઓ બદલ ન્યૂરોસર્જ્યનને ૧૬ વર્ષની જેલની સજાઃ બર્મિંગહામમાં ક્વીન એલિઝાબેથ અને પ્રાયોરી હોસ્પિટલ્સના ન્યૂરોસર્જ્યન નફીસ હમીદને તેના પેશન્ટ્સ પર જાતીય હુમલાઓ કરવા બદલ ૧૬ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. બર્મિંગહામ ક્રાઉન કોર્ટે નફીસ હમીદને ૨૦૦૯થી ૨૦૧૩ના ગાળામાં ૧૦ મહિલા પેશન્ટ સંબંધિત કુલ ૧૫ આરોપમાં દોષિત ઠરાવ્યા હતા. જજ પેટ્રિક થોમસે આ જાતીય હુમલાઓને વિશ્વાસના ગંભીર ઉલ્લંઘન સમાન ગણાવ્યા હતા. પ્રાયોરી હોસ્પિટલે હમીદનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યો હતો.