બનાવટી સ્ટેમ્પના નામે દંડાતા ગ્રાહકો

નવી બારકોડેડ સ્ટેમ્પમાં રહેલી ખામીઓ ચકાસવાનું રોયલ મેઇલનું આશ્વાસન

Tuesday 09th April 2024 13:44 EDT
 
 

લંડનઃ ગ્રાહકોને ટપાલ મળવા પર બનાવટી સ્ટેમ્પના નામે ખોટી રીતે પાંચ પાઉન્ડનો દંડ કરાતો હોવાની ફરિયાદોને પગલે રોયલ મેઇલ તેની નવી બારકોડેડ સ્ટેમ્પ્સમાં રહેલી ખામીઓની તપાસ કરી રહી છે. ગ્રાહકોની ફરિયાદ છે કે ટપાલ મેળવવા માટે તેમને પાંચ પાઉન્ડની પેનલ્ટી ફટકારવામાં આવી રહી છે કારણ કે રોયલ મેઇલને એમ લાગી રહ્યું છે કે ટપાલ પર ચોંટાડવામાં આવેલી સ્ટેમ્પ બનાવટી છે. જુલાઇ 2023માં રોયલ મેઇલ દ્વારા નવી બારકોડેડ સિસ્ટમ લાગુ કરાયા બાદ આ સમસ્યા સર્જાઇ છે.

ગયા સપ્તાહમાં પોસ્ટ ઓફિસ મિનિસ્ટર કેવિન હોલિનરેક અને રોયલ મેઇલના સીઇઓ માર્ટિન સીડનબર્ગ વચ્ચે યોજાયેલી મુલાકાત બાદ રોયલ મેઇલે આ મામલાની તપાસ કરવા વચન આપ્યું હતું. રોયલ મેઇલે જણાવ્યું હતું કે તે સમસ્યા શોધી કાઢવા માટે પોસ્ટ ઓફિસ સહિતના રિટેલર્સ સાથે મળીને કામ કરી રહી છે.

હોલિનરેકે જણાવ્યું હતું કે અમે રોયલ મેઇલ સાથે વાત કરી છે અને તેઓ આ મામલામાં તપાસ કરી રહ્યાં છે. હજુ ગયા સપ્તાહમાં જ રોયલ મેઇલ દ્વારા એવો દાવો કરાયો હતો કે તેની પ્રોસેસ સુરક્ષિત છે. સ્ટેમ્પ અસલી છે કે નહીં તે ચકાસવા માટે અમે સ્પેશિયાલિસ્ટ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી રહ્યાં છીએ. મોટાભાગની સ્ટેમ્પની દેશભરમાં સોર્ટિંગ ઓફિસો ખાતે સ્કેનિંગ ડિવાઇસ દ્વારા ચકાસણી થાય છે.

બીજીતરફ પોસ્ટ ઓફિસે જણાવ્યું હતું કે, અમારી શાખા ખાતેથી બનાવટી સ્ટેમ્પ ખરીદવામાં આવી હોવાના આરોપ અત્યંત ગંભીર છે. તેનો અર્થ એ થયો કે પોસ્ટ માસ્ટર અથવા તો સ્ટાફના કોઇ વ્યક્તિ દ્વારા રોયલ મેઇલની અસલ સ્ટેમ્પના સ્થાને બનાવટી સ્ટેમ્પ પધરાવી દેવામાં આવી હોય.

ફર્સ્ટ ક્લાસ લેટર્સની સપ્તાહમાં 6 અને સેકન્ડ ક્લાસની દર આંતરા દિવસે ડિલિવરીનો પ્રસ્તાવ

લંડનઃ રોયલ મેઇલમાં સુધારા માટે રજૂ કરાયેલા નવા સુધારા અંતર્ગત રોયલ મેઇલ ફર્સ્ટ ક્લાસ લેટર્સની ડિલિવરી સોમવારથી શનિવાર રોજ કરશે જ્યારે સેકન્ડ ક્લાસ લેટર્સની ડિલિવરી સપ્તાહમાં દરેક આંતરા દિવસે કરાશે.

રોયલ મેઇલના પ્રસ્તાવ

-          સમગ્ર યુકેમાં ગમે ત્યાં ડિલિવરી માટે એક સમાન ચાર્જની જાળવણી

-          ફર્સ્ટ ક્લાસ લેટર્સ સપ્તાહમાં 6 દિવસ ડિલિવર કરાશે

-          નોન ફર્સ્ટ ક્લાસ લેટર્સની આંતરા દિવસે ડિલિવરી કરાશે

-          પાર્સલની ડિલિવરી સપ્તાહના સાતે દિવસ કરાશે

-          બિલ વગેરેની ડિલિવરી બેના સ્થાને 3 દિવસમાં કરાશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter