બર્નહામને નેતૃત્વનો પડકાર આપવા ડેરેન જોન્સનો ઇનકાર

વડાપ્રધાન સ્ટાર્મરના ચીફ સેક્રેટરીના સાથીદારોએ અફવાઓ નકારી

Tuesday 23rd June 2026 10:07 EDT
 

લંડનઃ એવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે કે વડાપ્રધાન સ્ટાર્મરના ચીફ સેક્રેટરી ડેરેન જોન્સ લેબર પાર્ટીના આગામી નેતા બનવાની રેસમાં એન્ડી બર્નહામ સામે મેદાનમાં નહીં ઉતરે. લેબર પાર્ટીના કેટલાક સાંસદો એવી આશા રાખતા હતા કે ડેરેન જોન્સ આ પદ માટે પોતાની દાવેદારી નોંધાવે, જેથી બર્નહામ બિનહરીફ પક્ષના નેતા અને આગામી વડાપ્રધાન ન બની જાય. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર જોન્સના સાથીદારોએ તેઓ ચૂંટણી લડવાના મૂડમાં હોવાની તમામ અફવાઓ પર અત્યારે પાણી ફેરવી દીધું છે.

બીજી તરફ, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી વેસ સ્ટ્રીટીંગે સોમવારે જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ આ રેસમાં સામેલ નથી અને તેમણે બર્નહામને વડાપ્રધાન પદ માટે સમર્થન જાહેર કર્યું છે. હવે કેટલાક લેબર સાંસદો બર્નહામની સંભવિત કેબિનેટમાં સ્ટ્રીટીંગને ચાન્સેલર બનાવવાની માંગ કરી રહ્યા છે.

જોન્સના નજીકના એક સૂત્રએ મીડિયાને જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યા છે તે વાત તદ્દન પાયાવિહોણી છે. બીજી તરફ સંરક્ષણ ભંડોળના મુદ્દે લેબર પાર્ટીના વલણ સામે વિરોધ નોંધાવી આ મહિનાની શરૂઆતમાં રાજીનામું આપનારા પૂર્વ સશસ્ત્ર દળ મંત્રી અલ કાર્ન્સે હજુ સુધી રેસમાંથી બહાર હોવાનો સંકેત આપ્યો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter