લંડનઃ બર્મિંગહામ ક્રાઉન કોર્ટે 41 વર્ષીય ઉબેર ઈટ્સ ડ્રાઈવર હરિન્દરપાલ અઠવાલને 11 વર્ષથી વધુની જેલની સજા ફટકારી છે. આરોપીએ 16 ડિસેમ્બર 2005ના રોજ બર્મિંગહામના સોહો રોડ પર હાથમાં હાથ પરોવીને ચાલી રહેલા એક દંપતી પર પોતાની કાર ચડાવી દીધી હતી, જેમાં પતિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને ગંભીર અને જીવનભરની ઈજાઓ પહોંચી હતી. અઠવાલ પોતાની વોક્સહોલ કોર્સા ચલાવી રહ્યો હતો અને અચાનક તેણે સામેથી આવી રહેલા ટ્રાફિક તરફ વાહન વાળી દીધું હતું અને ઝડપ ધીમી કર્યા વિના ફૂટપાથ પર ચાલતા દંપતીને અડફેટે લીધું હતું. અકસ્માત બાદ પહેલા કાર પાછળ લીધી હતી અને ઘાયલ વ્યક્તિ પર ફરીથી કાર ચડાવી દીધી હતી. આ કાયરતાપૂર્ણ કૃત્ય આચર્યા બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
વેસ્ટ મિડલેન્ડ્સના ટિવિડેલના રહેવાસી અઠવાલની અકસ્માતના ૨૪ કલાકની અંદર જ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ભયજનક ડ્રાઇવિંગ દ્વારા મોત નીપજાવવું, બેદરકારીપૂર્વક વાહન ચલાવી ગંભીર ઈજા પહોંચાડવી, ડિસક્વોલિફાઇડ હોવા છતાં વાહન ચલાવવું, લાયસન્સ અને ઈન્સ્યોરન્સ વિના ડ્રાઈવિંગ કરવું, અકસ્માત બાદ ઘટનાસ્થળે ન રોકાવું અને પોલીસને રિપોર્ટ ન કરવો સહિતના આરોપ મૂકાયા હતા.
બર્મિંગહામ ક્રાઉન કોર્ટે આ તમામ ગુનાઓ બદલ હરિન્દરપાલ અઠવાલને 11 વર્ષ અને 3 મહિનાની જેલની સજા ફટકારી છે. આ સાથે જ તેના પર 20 વર્ષ માટે ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ભવિષ્યમાં ફરીથી વ્હીલ સંભાળતા પહેલા તેણે વિસ્તૃત ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવો પડશે.


