લંડન
બર્મિંગહામ યુનિવર્સિટીએ જૈન ધર્મના શિક્ષણ અને રિસર્ચ પ્રોગ્રામના પ્રારંભની જાહેરાત કરી છે. જાન્યુઆરી 2023થી આ અભ્યાસક્રમમાં પ્રવેશ અપાશે. જૈન સમુદાયના ભારતીય મૂળના સખાવતી ગ્રુપ દ્વારા આ અભ્યાસક્રમમાં 1.5 મિલિયન અમેરિકન ડોલરનું દાન અપાયું છે. અમેરિકી દાતાઓનું નેતૃત્વ ડો. જસવંત મોદી અને બ્રિટિશ દાતાઓનું નેતૃત્વ નેમુ ચંદેરિયા કરી રહ્યાં છે.
સપ્ટેમ્બર 2023થી શરૂ થઇ રહેલા નવા પ્રોગ્રામમાં આસિસ્ટન્ટ પ્રોફેસરશિપ ઇન જૈન સ્ટડીઝ, આસિસ્ટન્ટ પ્રોફેસરશિપ ઇન ધ એથિક્સ ઓફ નોન વાયોલન્સ અને પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ ફેલોશિપ ઇન જૈન સ્ટડીઝનો સમાવેશ કરાયો છે.
બર્મિંગહામ યુનિવર્સિટીમાં ફિલોસોફી, થિયોલોજી અને રિલિજિયન સ્કૂલના વડા પ્રોફેસર શાર્લોટ હેમ્પેલે જણાવ્યું હતું કે, અમારા દાતાઓની ઉદારતાના કારણે અમે વિશ્વના સૌથી વૈવિધ્યસભર સંસ્કૃતિઓ અને ધાર્મિક વિવિધતા ધરાવતા શહેરો પૈકીના એકમાં જૈન ધર્મના વૈશ્વિક નેતૃત્વ કરનારા કેન્દ્રની સ્થાપના કરવા જઇ રહ્યાં છીએ. હું આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓ અને રિસર્ચરોને આવકારું છું. આગામી વર્ષોમાં અમે સમગ્ર વિશ્વમાં જૈન ધર્મની સમજને પ્રસરાવી શકીશું.
આ સ્ટડી પ્રોગ્રામને ભગવાન ધરમનાથ જૈન સ્ટડીઝ પ્રોગ્રામ નામ અપાયું છે. તેમાં પર્યાવરણની જાળવણી, માનવ અધિકાર અને આંતરધર્મી સંવાદને પણ સામેલ કરાયાં છે.
ડો. જસવંત મોદીએ જણાવ્યું હતું કે, બર્મિંગહામ યુનિવર્સિટી દ્વારા જૈન સ્ટડીઝ પ્રોગ્રામનો પ્રારંભ થઇ રહ્યો છે તેની ખુશી છે. ભગવાન ધરમનાથનું શિક્ષણ આધુનિક લોકતાંત્રિક સમાજના 3 સ્થંભ છે. જૈન ધર્મના પાયામાં રહેલું અહિંસાનું શિક્ષણ આપણને કોઇપણ જીવની હાનિથી દૂર રાખે છે.અપરિગ્રહનું શિક્ષણ આપણને આપણી જરૂર જેટલું જ રાખીને બાકીનું અન્યોના ઉપયોગ માટે આપી દેવા સંદેશ આપે છે. અનેકાંતવાદ આપણને દરેકના મંતવ્યને સન્માન આપવાનું શીખવે છે. મને ખુશી છે કે અમારા દાન દ્વારા બર્મિંગહામ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ જૈન ધર્મ અંગે અભ્યાસ કરી શકશે.


